October 7, 2024

ચૈત્રી નવરાત્રીના પર્વ પર રાજપરા ખોડીયાર ધામ પર ભાવિ ભક્તોની ભીડ ઉમટી

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગર જિલ્લામાં આવેલું રાજપરા ખોડિયાર મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને અને માનતા પુરી કરવા આવતા હોય છે. નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનું સવિશેષ મહત્વ હોય છે, ત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ પર રાજપરા ખોડીયાર ધામે ભાવિભક્તોની ભીડ ઉમટી રહી છે.  રાજપરા ખોડિયાર ધામનું ધાર્મિક મહત્વ શું તે જાણીએ.

આખા વર્ષ દરમ્યાન એક ગુપ્ત નવરાત્રી મળી કુલ પાંચ નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ખાસ ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રીની વિશેષ મહત્વ રહ્યું છે, ચૈત્રી નવરાત્રીમાં ધર્મોલ્લાસ ભર્યા વાતાવરણમાં લોકો માતાજીની ભક્તિ, આરાધના અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે, જ્યારે આસો નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી લોકો ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરતા હોય છે, કહેવાય છે કે માતાજી ખુદ નવદુર્ગા રૂપે નવરાત્રીમાં ગરબે ઘુમવા આવતા હોય છે.

ભાવનગર જિલ્લામાં હાલ ચાલી રહેલી ચૈત્રી નવરાત્રીના પાવન પર્વનો રંગ જામ્યો છે. ભાવનગર થી 18 કિમી દૂર આવેલા મા ખોડીયારના મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આખા વર્ષ દરમ્યાન લોકો મા ખોડીયારના દર્શને આવતા હોય છે. રવિવાર અને મંગળવાર માતાજીના વાર ગણાય છે. આ દિવસોમાં લોકો પગપાળા યાત્રા કરી મંદિરે જતા હોય છે. બાર મહિનાની બાર પૂનમે અહીં મેળો ભરાય છે, જ્યાં લોકો મા ખોડીયારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે.

ભાવનગરના રાજપરાવાળી આઈ ખોડીયારનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ
રાજપરા ખોડિયાર મંદીરે બિરાજતા મા ખોડિયાર વિશે એવું કહેવાય છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહિશાળા ગામે મામડીયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી આઠ ખાલી પારણામાં સાત બહેનો અને એક ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. જોગળ, તોગળ, સાંસાઈ, હોલબાઈ, વિજબાઈ, આવળ તેમજ દિવ્ય આત્મારૂપી જાનબાઈ જેને હાલ સૌ મા ખોડિયારના નામે પૂજે છે અને ભાઈનું નામ મેરખીયો આમ આંઠ ભાંડરડા પ્રગટ થયા હતા. સાતેય બહેનોના લોકોને અવાર નવાર પરચા થવા લાગ્યા, તે સમયનાં ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે મહારાજા વજેસિંહજી ગોહિલ સને-1782થી 1816 એટલે કે સંવત 1872થી 1908 સુધી ભાવનગરના રાજા હતા. તેમણે આઈશ્રી ખોડિયારની પ્રશંસા સાંભળી હતી. જેથી તેઓ કુટુંબ કબીલા અને લાવ લશ્કર સાથે બેન્ડવાજા અને ધજાઓ લઈને ધામધૂમથી વલ્લભીપુર અને મુળધરાઈ પાસે આવેલા રોહીશાળા નામના ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીનું આ મામડીયા ચારણ તથા તેમના ધર્મપત્ની અને સાતેય માતાજીના નેસડામાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

મહારાજા વખતસિંહજી ઉર્ફે વજેસિંહજીએ માતાજીને પગે પડી નમસ્કાર કરી કિંમતી ભેટ સોગાદ અર્પણ કર્યા અને નમ્રતાપૂર્વક ભાવનગર પધારવા આમંત્રણ આપ્યું હતું. ત્યારે મા ખોડિયારે પણ રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈને કહ્યું કે હે રાજા તમે તમારો ઘોડો લઈને આગળ ચાલો અમે સાતેય બહેનો તમારી પાછળ આવશું. પરંતુ સાથે શરત પણ મૂકી કે જો મનમાં શંશય રાખી અમારું પારખું કરવા પાછળ જોશો તો અમે સાતેય બહેનો સ્થિર થઈ જઈશું. રાજાએ વાતનો સહર્ષ સ્વીકાર કરી ઘોડે ચડી ભાવનગર તરફ ચાલવા લાગ્યા, રાજા આગળ અને માઁ ખોડિયાર સહિત સાતેય બહેનો કંકુપગલે રાજાની પાછળ રોહીશાળાથી ભાવનગર તરફ આગળ વધવા લાગ્યા.

હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ, નદીનો કાંઠો અને તે કાંઠા પર ગળધરા નામનો ઘુનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને માતાજી પાછળ આવે છેને એવી કુતૂહલતા થી પાછળ જોયું, અને ત્યારે એમ કહેવાય છે કે, વીજળી જેવો ચમકારો થયો અને એ ગળધરાના કાંઠે માતાજી અદ્રશ્ય થઈ ગયા, રાજાએ ઘણો વલોપાત કર્યો પણ ભૂલ થઈ હતી, માતાજીના વચનનું પાલન નહીં થતા એ ગળધરાના કાંઠે માતાજીના જ્યાં ત્રિશુલ અને ફળા પડ્યા રહ્યા હતા ત્યાં જ માતાજીના કાયમી બેસણા થઈ ગયા, પણ હવે શું થઈ શકે રાજા નિરાશ હદયે ભાવનગર પહોંચ્યા. જ્યાં માતાજીએ રાત્રે રાજાને સ્વપ્નમાં તેઓ હરહંમેશ રાજકુળની સહાય કરશે એવો સંકેત આપ્યો હતો.

મા ખોડિયારની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ એવા ગોહિલવાડને 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે. એ સ્થળે મહારાજા આતાબાપુ ગોહિલે આશરે 225 વર્ષ પહેલા માં ખોડિયારની દેરી બંધાવી સ્થાપના કરી હતી. સમય જતાં મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરના બાંધકામમાં વ્યક્તિગત રૂપે ધ્યાન આપીને હાલના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીં દર મહિનાની પૂનમના દિવસે, દર રવિવારે તથા ખોડિયાર જયંતીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. શ્રદ્ધાળુઓ પ્રસાદીમાં લાપસી, સુખડી ધરતા હોય છે. વહેલી સવારની મહાઆરતીનું અનેરું મહત્વ છે. લોકો શ્રીફળ-ચુંદડી-પ્રસાદ ધરાવી માં ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.