January 16, 2025

ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બોટાદ-કુંડલી વચ્ચે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યો

બોટાદઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં જ આવાં બે કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે બોટાદમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેક પર લોખંડના ટુકડાંની આડશ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એન્જિન સાથે લોખંડનો ટુકડો અથડાતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. એન્જિનની પ્રેશર પાઇપ ફાટી જતા નુકસાન પહોંચ્યું છે. ત્યારે ટ્રેનને અન્ય એન્જિન સાથે જોડીને ભાવનગર લઈ જવામાં આવી છે.

બોટાદ અને કુંડલી ગામ વચ્ચે આ ઘટના બની છે. રેલવે ટ્રેક પરથી ત્રણ ફૂટનો લોખંડનો ટુકડો મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ બોટાદ ડીવાયએસપી, પીઆઈ, રેલવે પોલીસ RPFનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત રેલવે અધિકારીઓનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.