October 14, 2024

સારા પરિણામ બાદ આ શેરમાં બન્યા નવા રેકોર્ડ

ત્રીજા ત્રિમાસિક પરિણામોમાં એકબાદ એક સકારાત્મક પરિણામોને કારણે મીડ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. જેમાંથી શિપીંગ કારોબાર સાથે જોડાયેલી સરકારી કંપની કોચિન શિપયાર્ડમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. સારા પરિણામોને પગલે આ શેરમાં નવા રેકોર્ડ ઉચ્ચતમ સ્તર બનતા જોવા મળ્યા. કોચીન શિપયાર્ડ છેલ્લા એક વર્ષમાં 250% વધી ચુક્યો છે. જેથી સારા પરિણામો એક પોઝિટીવ ટ્રિગર તરીકે સાબીત થતાં આ શેરમાં નવા રેકોર્ડ બન્યા છે.

ત્રિમાસીકનો નફો 121% વધ્યો
31 જાન્યુઆરીએ ખુલતા બજારે જ કોચિન શિપયાર્ડ 7 ટકાના ઉછાળા સાથે 945 રૂપીયાના નવા રેકોર્ડ પર આવી પહોંચ્યો છે. કોચિન શિપયાર્ડનો ત્રીજા ત્રિમાસિકનો નફો વાર્ષિક સ્તરે 121% વધીને 244.4 કરોડ રૂપિયા પર આવી પહોંચ્યો છે. જેને માર્કેટે સારી રીતે વધાવ્યું છે. આ સાથે સાથે બોર્ડ દ્વારા રોકાણકારોને બીજું વચગાળાનું ડિવીડન્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે 3.40 રૂપિયા પ્રતિ શેર છે. આ માટે 12 ફેબ્રુઆરીના રોજ શેર જેમના પોર્ટફોલિયોમાં હશે. તેઓ ડિવીડન્ડ મેળવવા પાત્ર ગણાશે.

13 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ
ICICI ડાયરેક્ટ જેવી બ્રોકરેજ કંપનીએ કોચિન શિપયાર્ડ માટે ખરીદવાની સલાહ આપી છે. તેમણે અહીં લક્ષ્ય 1340 રૂપિયા પ્રતિ શેર આપ્યું છે. તેમના મતે કંપનીની ઓર્ડર પાઈપલાઈન ખૂબ સારી છે. કોમર્શિયલ શિપ બનાવવા અને રિપેરીંગ માટેના તથા ડિફેન્સના ઓર્ડર સતત આવતા રહ્યા છે. જે સારી વાત છે. ICICI ડાયરેક્ટના મતે 13 હજાર કરોડ રૂપિયાથી વધુના શિપ બનાવવાના કોન્ટ્રાક્ટ અત્યારે કંપની પાસે છે. આ સિવાય 84 હજાર કરોડ રૂપિયાના ઓર્ડર ચર્ચાના સ્ટેજ પર છે. મતલબ કે તેનો ઓર્ડર પણ આવી શકે છે.

કોચીન શિપયાર્ડનો ઈતિહાસ
1972માં સંપૂર્ણ સરકારી કંપની તરીકે કોચિન શિપયાર્ડની સ્થાપના થઈ હતી. આજે કોચિન શિપયાર્ડને મોટાભાગની આવક ભારતીય નૌસેના પાસેથી થાય છે. જહાજો બનાવવા, કોસ્ટગાર્ડના પ્રોજેક્ટ, કમર્શિયલ શીપ બનાવવી તથા જહાજોનું સમારકામ કોચિન શિપયાર્ડ કરે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે ન કે ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના મેનેજમેન્ટ દ્વારા. ન્યૂઝ કેપિટલ આપને રોકાણ કરતા પહેલા પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવા આગ્રહ કરે છે.