મહિલા કોર્પોરેટરની નવી પહેલ, માત્ર 300 રૂપિયા ભરીને શીખો કંઈ પણ

અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં મહિલાઓ પગભર બને તે હેતુથી અનેક સંસ્થાઓ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલાઓના હિતમાં અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. ત્યારે સુરતના એક મહિલા કોર્પોરેટર રેશમા લાપસીવાલા દ્વારા મહિલાઓ પગભર બને તે માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ મહિલા કોર્પોરેટર દ્વારા મહિલાઓને પગભર કરવા માટે 10 ફેબ્રૂઆરીના એક સંસ્થા શરૂ કરી. જેમાં માત્ર 300 રૂપિયાની નજીવી ફીમાં મહેંદી ક્લાસ, નેઇલ આર્ટ કલાસ, હેન્ડ વર્ક, મંડલ આર્ટ, ફેબ્રિક પેઇન્ટ અને સ્પોકન ઈંગ્લીશના ક્લાસ કરાવવામાં આવે છે. જેથી આ ક્લાસીસમાંથી અલગ અલગ આર્ટ શીખીને મહિલાઓ પોતાની રીતે પગભર થઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
મહત્વનું છેકે, હેન્ડ વર્ક, ફેબ્રિક પેઇન્ટ, મહેંદી અને નેઇલ આર્ટ જેવા ક્લાસ જો કોઈ પ્રાઇવેટ સંસ્થા પાસે કરવામાં આવે તો 10થી 15 દિવસની 5થી 10 હજાર રૂપિયા ફી લેવામાં આવતી હોય છે, પરંતુ મહિલાઓના હિતમાં રેશમા લાપસીવાલા દ્વારા આ સંસ્થામાં માત્ર 300 રૂપિયા જેવી નજીવી ફીમાં આ તમામ વસ્ચુઓ શીખાડવામાં આવે છે. હાલ 80 બહેનો અલગ અલગ ક્લાસ કરવા માટે આવે છે. જેમાં 4 જેટલા શિક્ષકો છે. જેઓ તમામ 80 બહેનોને અલગ અલગ આર્ટની માહિતી આપીને આર્ટ શીખવાડે છે.
આ અંગે વાત કરતા કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ જણાવ્યું કે, જે સંસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં 300 રૂપિયાની ફી રાખવાનું મુખ્ય કારણ એવું હતું કે કોઈપણ કાર્ય નિશુલ્ક કરવામાં આવે તો શીખનાર વ્યક્તિઓને તેનું મહત્વ રહેતી નથી. જે લોકોને નથી શીખવું તેવા લોકો એક બે દિવસ પૂરતા ક્લાસીસ પર આવતા હોય છે. જેના કારણે ખરેખર જે મહિલાઓને શીખવું છે તેમને અગવડતા અને મુશ્કેલીનો સામનો કરવો પડે અને આવી સમસ્યા ન સર્જાય એટલા માટે 300 ફી રાખવામાં આવી છે. આથી જેમને ખરેખર શીખવું જ છે તેવી મહિલાઓ ઇન્કવાયરી કરે અને એવા લોકો જ સંસ્થા સાથે જોડાય છે.
પ્રાથમિક તબક્કે શહેરના એક જ વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. જેમ જેમ મહિલાઓની ઇન્કવાયરી વધશે અને વધુ મહિલાઓ આ સંસ્થા સાથે જોડાશે તેમ તેમ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બેચ શરૂ કરવામાં આવશે.