અમૂલ્ય એક ક્લાક-તજજ્ઞોની ટિપ્સ સાથે અમદાવાદ ગ્રામ્યના DEOની નવી પહેલ!
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ જો તમારું બાળક પણ ભણવામાં હોશિયાર ન હોય અને પાસિંગ માર્ક્સ લાવવામાં પણ મુશ્કેલી પડી શકે તેમ હોય તો અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થી 50 માર્ક્સ લાવી શકે છે.
આાગમી 11મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરિક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓને પરિક્ષામા શું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે અને કેવી રીતે તૈયારી કરવી સહિતના પ્રશ્નો સતાવતા હોય છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતી દ્વારા મિશન સિદ્ધત્વ અંતર્ગત અમૂલ્ય એક ક્લાક-તજજ્ઞોની ટિપ્સ સાથે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને પરિક્ષાને લઇને તમામ ટિપ્સ આપવામાં આવશે.
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ કૃપાબેન ઝાએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓનાં પરિણામ સુધારણાનો અમારો મુખ્ય હેતુ છે. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ તો ટ્યુશન કે અન્ય માધ્યમથી તૈયારીઓ કરી શકે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અનેક લાભો મળતા નથી અને એવરેજ વિદ્યાર્થીઓ પરિક્ષામાં તૈયારીઓના અભાવે નાપાસ થતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરિક્ષાના આગલા દિવસે શું વાચીને પરિક્ષા આપવા જવું જેથી કરીને તે પાસિંગ માર્ક્સ એટલે કે 50 ટકા માર્ક લાવી શકે તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ડીઇઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ધોરણ 10 અને 12ના તમામ વિષયોને આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. કયા ચેપ્ટરમાંથી શું પૂછાઈ શકે છે તેની તમામ માહિતી એકઠી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ વિષયોમાંથી માહિતી એકઠી કરીને વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.
પરિક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓને આ લિંક મોકલવામાં આવશે જેથી તે વિદ્યાર્થી વાંચીને સારા માર્ક્સ મેળવી શકે. અમદાવાદના ગ્રામ્યના ડીઇઓ અને સંકલન સમિતિ દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોને આ લિંક મોકલવામા આવશે. જેને આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફ્યુઅન્સર પણ પ્રચાર કરશે.