December 4, 2024

યુદ્ધકાળમાં નેતન્યાહુએ રક્ષામંત્રી યોવ ગેલન્ટને પદ પરથી હટાવ્યા, પણ કેમ?

Israel Defence Minister Yoav Gallant Suspended: ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે રક્ષામંત્રી યોવ ગેલન્ટને બરતરફ કરી દીધા છે. આ પગલા પાછળ નેતન્યાહુનો તર્ક એવો હતો કે તેમની અને ગેલન્ટ વચ્ચે ધીમે ધીમે ‘વિશ્વાસનું સંકટ’ ઊભું થઈ રહ્યું હતું અને તેના કારણે હમાસ અને હિઝબોલ્લાહ સામે યુદ્ધને સંચાલિત કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.

જણાવી દઈએ કે ગાઝા અને લેબનોનમાં યુદ્ધને લઈને યોવ ગેલન્ટ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે અનેક મુદ્દાઓને લઈને અસહમતી જોવા મળી હતી. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પોતાના રક્ષામંત્રી યોવ ગેલન્ટને એવા સમયે પદભ્રષ્ટ કર્યા છે જ્યારે ઇઝરાયલ એક સાથે અનેક મોરચાઓ પર યુદ્ધ લડી રહ્યું છે. ગાઝા અને લેબનોનમાં તેની સીધું યુદ્ધ ચાલી રહ્યું છે જ્યારે ઈરાન સાથે પણ તેનો સંઘર્ષ વધી ગયો છે.

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન, પહેલા કરતાં વધારે, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે પૂર્ણ વિશ્વાસની જરૂરિયાત છે. ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય અભિયાનના શરૂઆતના દિવસોમાં બંને વચ્ચે આ વિશ્વાસ હતો અને ઘણું સારું કામ થયું હતું. પરંતુ કેટલાંક મહિનાઓમાં આ વિશ્વાસ ખતમ થઈ ગયો છે.

નેતન્યાહુએ કહ્યું છે કે તેમણે વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝને નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાનને સાબિત કરી દીધું છે. તો, ગિદોન સા’આરને નવા વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન રક્ષામંત્રી પદેથી હટાવાયા બાદ યોવ ગેલન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે ઇઝરાયલની સુરક્ષા મારા જીવનનું મિશન હતું અને હંમશા રહેશે.

પીએમ નેતન્યાહુએ કહ્યું કે તેમણે તેમની અને ગેલન્ટ વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ભરપૂર પ્રયાસ કર્યા, પરંતુ મતભેદો ઘટવાને બદલે વધતા ગયા. તેમણે કહ્યું, ‘અમારી વચ્ચેના મતભેદો અને અસહમતી અસામાન્ય રીતે જાહેર થઈ. એના કરતાં પણ વધારે ખરાબ તો એ થયું કે આ મતભેદોની જાણકારી દુશ્મનોને થઈ. જેમણે તેનો પૂરતો લાભ લીધો. તેથી, મેં રક્ષામંત્રીને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે અને તેમના સ્થાને ઇઝરાયેલ કાત્ઝની નિમણૂક કરી છે.