November 24, 2024

IPL ઓનર્સની મીટિંગમાં નેસ વાડિયા અને શાહરૂખ ખાન વચ્ચે ઉગ્ર બોલાચાલી

IPL 2025 ના મેગા ઓક્શન પહેલા BCCI અને IPL ફ્રેન્ચાઇઝીના માલિકો વચ્ચે ગઈકાલે એટલે કે ગુરુવારે 31 જુલાઈએ એક બેઠક યોજાઈ હતી. આ મીટિંગ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના નેસ વાડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. ચર્ચાનો મુદ્દો IPL મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની રિટેન્શન સંખ્યાનો હતો. ખરેખમાં ફ્રેન્ચાઇઝીઓ શ્રેષ્ઠ ટીમ તૈયાર કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ BCCI દર ત્રણ વર્ષે મેગા હરાજીનું આયોજન કરે છે જેના કારણે ફ્રેન્ચાઇઝીઓ ફક્ત 3-4 ખેલાડીઓને જાળવી રાખવામાં સક્ષમ હોય છે અને પછી તેમને સંપૂર્ણ ટીમ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. આ સમયગાળા દરમિયાન, શાહરૂખ ખાન મેગા હરાજી સમાપ્ત કરવાની તરફેણમાં દેખાયો હતો.

ક્રિકબઝના અહેવાલ મુજબ, મીટિંગમાં સામેલ બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે શાહરૂખ મેગા ઓક્શન સામે પોતાનું વલણ મજબૂત રીતે રજૂ કરી રહ્યો હતો. એક સમય એવો હતો જ્યારે કેકેઆરના માલિકનો પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા સાથે રિટેન્શન ફિગરને લઈને ઉગ્ર દલીલો થઈ હતી; શાહરૂખ મોટી સંખ્યામાં રિટેન્શનની તરફેણમાં હતો જ્યારે વાડિયા વધુ પડતો રિટેન્શનની વિરુદ્ધમાં હતો.

આ પણ વાંચો: Anshuman Gaekwad: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડનું કેન્સરથી નિધન

મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં શાહરૂખ ખાને મેગા ઓક્શન સમાપ્ત કરવાના મુદ્દે સનરાઈઝર્સ હૈદરાબાદનું સમર્થન મેળવ્યું હતું. મીટિંગમાં કાવ્યા મારન આ મુદ્દે શાહરૂખને સપોર્ટ કરતી જોવા મળી હતી. જોકે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ બોર્ડ ઓગસ્ટના અંત સુધીમાં માલિકોને પોતાનો નિર્ણય જણાવવા જઈ રહ્યું છે.

કાવ્યા મારને કહ્યું, “ટીમ બનાવવામાં ઘણો સમય લાગે છે અને જેમ ચર્ચા થઈ છે, યુવા ખેલાડીઓને પરિપક્વ થવામાં ઘણો સમય અને રોકાણ પણ લાગે છે. અભિષેક શર્માને તેના પ્રદર્શનમાં સાતત્ય લાવવા માટે ત્રણ વર્ષ લાગ્યાં. તમે પણ સંમત હશો કે અન્ય ટીમોમાં પણ આવા ઘણા ઉદાહરણો છે.”

બેઠકમાં હાજર રહેલા અન્ય માલિકોમાં દિલ્હી કેપિટલ્સના કિરણ કુમાર ગ્રાંધી અને પાર્થ જિંદાલ, લખનૌ સુપર જાયન્ટ્સના સંજીવ ગોએન્કા, ચેન્નાઈ સુપર કિંગ્સના રૂપા ગુરુનાથ, રાજસ્થાન રોયલ્સના મનોજ બદાલે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રથમેશ મિશ્રાનો સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સના અંબાણી સહિત કેટલાક માલિકોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં હાજરી આપી હતી.

બેઠક બાદ દિલ્હી કેપિટલ્સના માલિક જિંદાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે મેગા ઓક્શનના પક્ષમાં છે. “મને આશ્ચર્ય છે કે પ્રથમ સ્થાને મેગા ઓક્શન ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. હું વ્યક્તિગત રીતે તેની તરફેણમાં છું”.