March 18, 2025

વાંસદાના રંગપુર શાળાની અનોખી પહેલ, વિદ્યાર્થીઓથી ચાલતી ન્યૂઝ ચેનલ શરૂ કરી

જીગર નાયક, નવસારીઃ જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર શાળાએ શૈક્ષણિક નવીનતાના ઉદાહરણરૂપ ‘રંગપુર ન્યૂઝ’ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. શાળાની પ્રવૃત્તિઓ અંગે બાળકો જાતે ન્યૂઝ બનાવે છે. તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમના ભાષણકૌશલ્યમાં સુધારાઓ જોવા મળ્યા છે. આ પ્રયોગથી બાળકીઓ હવે બોલવામાં વધુ નિખાર લાવી રહી છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર શાળાએ અનોખી પહેલ કરી છે. વિદ્યાર્થીઓ માટે શાળામાં ‘રંગપુર ન્યૂઝ’ નામની ન્યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓનાં વિકાસ માટે ઉદ્દેશિત છે. શાળાના આ નાયાબ પ્રયાસથી વિદ્યાર્થીઓ શાળાની પ્રવૃત્તિઓ અંગે ન્યૂઝ બનાવતા શીખે છે. ખાસ કરીને બાળકીઓની બોલવાની ક્ષમતા વધવા સાથે તેમની વ્યક્તિત્વ વિકસાવવાનું કાર્ય થઈ રહ્યું છે.

આ પ્રયોગના માધ્યમથી બાળકીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ભાષા-કૌશલ્યમાં નવો નીખાર લાવી રહી છે. રંગપુર શાળાનું આ નવું પગલું શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેરણાદાયી બની રહ્યું છે. બીજી તરફ વાલીઓ તેમજ ગ્રામજનો બાળકોના આ નવા અભિગમથી શાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ રહ્યા છે.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂઝ ચેનલની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળકોની આ અનોખી સિદ્ધિને તેમણે ટ્વિટર હેન્ડલ પર મૂકી અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયક બતાવી છે.