વાઘરેચ ગામના સરપંચનો અનોખો પ્રયોગ, વેરો ભરનારને ગિફ્ટમાં મોબાઇલ-ટીવી

વાઘરેચ ગ્રામ પંચાયતના સરપંચે અનોખો પ્રયોગ કર્યો છે.
જીગર નાયક, નવસારીઃ રાજ્યની કોઈપણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે સ્વભંડોળ અને વેરો વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ગામડાઓમાં વેરા બાબતે જાગૃતિ લાવવા માટે બીલીમોરા નજીક આવેલા વાઘરેચ ગામના સરપંચે અનોખો પ્રયાસ કર્યો છે.
રાજ્યની કોઈપણ નગરપાલિકા, મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થા માટે ભંડોળ મહત્વની ભૂમિકા ભજવે છે. એમાં પણ રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટની સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ગામમાંથી ઉઘરાવતો વેરો ગામના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ગામડામાં વેરા બાબતે લોકોમાં જાગૃતિનો અભાવ હોવાના કારણે વેરાની વસુલાત સંપૂર્ણપણે થતી નથી. ત્યારે ગુજરાતમાં એક એવા ગામની આજે વાત કરીશું જેના સરપંચ દ્વારા ગામમાં સંપૂર્ણપણે વેરોની વસુલાત થઈ શકે એ માટે નવતર પ્રયોગ કર્યો છે. બીલીમોરા નજીક આવેલા વાઘરેચ ગામના સરપંચ સુજીત પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે સંપૂર્ણ પણે વેરો વસૂલાત થાય એ બાબતે વિવિધ ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ ઇનામ સરપંચ દ્વારા સ્વખર્ચે આપવામાં આવશે. જેમાં એલઇડી ટીવી, મોબાઇલ ફોન વગેરે ઉપયોગી થતા સામાનનો સમાવેશ થાય છે. આ નવતર પ્રયોગથી ગામમાં વેરા વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ગુજરાતના ગામડાઓમાં વેરા બાબતે જાગૃતિ લાવવાના આ પ્રયાસની ખૂબ સરાહના થઈ રહી છે. ગામમાં 100 ટકા વેરાની વસૂલાત થાય એવા પ્રયાસ ગામના સરપંચ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. વાઘરેચ ગામની 4000 લોકોની વસતિમાં 1300 જેટલી મિલકતો આવેલી છે. અત્યાર સુધી ગામમાં આ જાહેરાત થયા બાદ 60 ટકા વેરાની વસૂલાત થઈ ગઈ છે અને 40 ટકા જેટલો બાકી છે. 31 માર્ચ સુધી જે વ્યક્તિ પોતાનો વેરો સમયસર ભરશે એને આકર્ષણ ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ નવતર પ્રયોગથી વાઘરેચ ગામ આખા ગુજરાતમાં નામના મેળવી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજનું સુકાન સારી રીતે ચલાવવા માટે અને ગામનો વિકાસ કરવા માટે સ્વભંડોળ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે વેરા વસુલાત કરી સ્વભંડોળ ઊભું કરવાનો વાઘરેજ ગામનો આ પ્રયાસ સરહનીય માનવામાં આવી રહ્યો છે.