October 7, 2024

નર્મદામાં 8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, 150 ભેંસોનું રેસ્ક્યૂ

નર્મદાઃ જિલ્લાના સાગબારા વિસ્તારમાં 8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત છે. નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મકરાણ તથા મોવી ગામના બાળકોને વાલીઓના ખભા પર બેસી નદી પાર કરાવી છે. ગામની વચ્ચેથી પસાર થતી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ છે. કરજણ ડેમનાં 5 ગેટ ખોલી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાનાં વિસ્તાર પ્રભાવિત થઈ ગઈ છે. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલા ત્રણ તબેલામાં પાણી ઘૂસ્યા છે. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસક્યૂ કર્યું છે. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી છે. તબેલો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કરજણ નદીકિનારે આવેલાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. કાંઠાના ગામોના ખેતરોમાં પણ મોટું નુક્સાન થયું છે.

ભારે વરસાદની સમગ્ર જિલ્લામાં માઠી અસર છે. સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં 9 ઇંચ કરતા વધુ વરસાદ છે. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થયા છે. પાણી વહેતા થતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. ડેડિયાપાડા તાલુકાના વાઘઉંમર, પાનખલા, ઉપલી માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. નાળા પરથી નદીની જેમ પાણી વહેતાં ગામ લોકો મુશ્કેલીમાં છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા શબ લઈ જવા માટે મુશ્કેલી પડી હતી. ગ્રામજનોએ જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી શબને સ્મશાને પહોચાડ્યું છે.