નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક, 6 કલાકમાં 40થી વધુ લોકોને બચકાં ભર્યા

કૂતરાંએ બચકાં ભરતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી હતી.
યોગીન દરજી, નડિયાદઃ શહેરમાં ગુરુવારે સમી સાંજે 40થી વધુ લોકોને શ્વાને બચકાં ભરી લેતા હાહાકાર મચી ગયો હતો. શહેરની મોટી શાક માર્કેટથી રીંગરોડ સુધીના વિસ્તારમાં ફરેલા આ શ્વાને ટુ વ્હીલર પર જઈ રહેલા તેમજ રસ્તા પર જઈ રહેલા રાહદારીઓને શિકાર બનાવ્યા હતા. ત્યારે સાંજે 4:30 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હતી.
નડિયાદ શહેરમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં અચાનક શ્વાન કરડવાના કેસ આવવાના શરૂ થયા હતા. એકપછી એક કેસ આવતા ડોકટર પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. શહેરની મોટી શાક માર્કેટથી રીંગરોડ સુધીના વિસ્તારમાં ફરી રહેલા એક શ્વાને મોપેડ પર જઈ રહેલા, બાઈક પર જઈ રહેલા કે પછી ચાલતા જઈ રહેલા લોકોને બચકાં ભરવાના શરૂ કર્યા હતા.
સાંજે 4:30 વાગ્યાથી શરૂ થયેલી આ ઘટના રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં કુલ 40થી વધુ લોકોએ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ફક્ત નડિયાદની સિવિલ હોસ્પિટલમાં જ 37થી વધુ દર્દીઓ મોડી રાત સુધીમાં નોંધાયા હતા. જ્યારે કેટલાક લોકોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાની માહિતી મળી હતી. આ ઘટનાની જાણ નડિયાદ પાલિકાની ઢોર પાર્ટીને થતા તેનો સ્ટાફ મોડી રાત્રે શ્વાનને શોધવા નીકળ્યો હતો. પરંતુ શ્વાનને પકડમાં સફળતા મળી ન હતી.