December 13, 2024

હાય રે કિસ્મત! આટલા રનથી કેપ્ટન પોતાની સદી ચૂકી ગયો

Irani Cup 2024: ભારત અને બાંગ્લાદેશની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થયા બાદ હવે તમામની નજર લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલા ઈરાની કપ પર છે. ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાનો મુકાબલો રણજી ચેમ્પિયન મુંબઈ સામે છે. આ મેચમાં બીજા દિવસે મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે પાસે શાનદાર સદી ફટકારવાની તક હતી પરંતુ યશ દયાલના એક બોલે આખું કામ બગાડી નાખ્યું હતું. અનુભવી ભારતીય બેટ્સમેનને સદી પહેલા જ પેવેલિયન પરત જવું પડ્યું હતું. અજિંક્ય રહાણે તેની સદીની ખૂબ નજીક હતો અને એવું લાગતું હતું કે તે ટૂંક સમયમાં તેની સદી પૂરી કરશે પરંતુ તેનું નસીબ ખરાબ હતું.

સદી ચૂકી ગયો
ખરેખરમાં મુંબઈનો કેપ્ટન અજિંક્ય રહાણે યશ દયાલના શોર્ટ બોલને ફટકારવાના પ્રયાસમાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. અગાઉ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો પરંતુ રેસ્ટ ઓફ ઈન્ડિયાના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે રિવ્યુ લીધો અને રિપ્લેએ સ્પષ્ટ કર્યું કે બોલ રહાણેના ગ્લોવ્ઝને સ્પર્શી ગયો હતો. આ રીતે રહાણેની કેપ્ટનશીપની ઇનિંગ્સ 97 રન પર સમાપ્ત થઈ ગઈ. અજિંક્ય રહાણેએ સરફરાઝ સાથે મળીને 5મી વિકેટ માટે 131 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જેના કારણે મુંબઈની ટીમનો સ્કોર 250ને પાર થઈ શક્યો નહતો. આ પહેલા શ્રેયસ અય્યર અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. અય્યરે 86 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના સુરનકોટથી BJPના ઉમેદવાર સૈયદ મુશ્તાક બુખારીનું નિધન

1 વર્ષ માટે ટીમની બહાર
તમને જણાવી દઈએ કે, રહાણે એક વર્ષથી વધુ સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે જુલાઈમાં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ત્યારથી તે ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર છે. ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાથી હવે તેની વાપસી પણ મુશ્કેલ દેખાઈ રહી છે. આ વર્ષે ઓગસ્ટમાં રહાણેએ ઈંગ્લેન્ડમાં લેસ્ટરશાયર માટે વન-ડે કપ 2024માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે 10 મેચમાં 42ની એવરેજથી 378 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર 11મો ખેલાડી હતો. ઈરાની કપ બાદ રહાણે રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે.