February 17, 2025

માઉન્ટ આબુમાં પારો -3 ડિગ્રી, બરફની ચાદર છવાઈ; સહેલાણીઓ નજારો માણવા પહોંચ્યા

અમદાવાદઃ સમગ્ર દેશમાં હિમાલય તરફથી આવતા ઠંડા પવનોને કારણે શીતલહેર છવાઈ ગઈ છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે.

માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તીવ્ર ઠંડીને કારણે જનજીવન ખોરવાયું છે. લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યાં છે. તો બીજી તરફ, ઠંડીનો નજારો માણવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ પહોંચ્યા છે.

માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે ગાડીઓ ઉપર બરફની ચાદર જામી છે. ટુ વ્હિલર, ફોર વ્હિલર ઉપર પણ બરફની ચાદર જામી છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામેલી જોવા મળી છે. તો ગાર્ડનમાં મૂકેલા કુંડામાં પણ બરફની ચાદર જોવા મળી છે. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તાપણી કરીને લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે.