January 22, 2025

નરોડામાં માતા-પુત્ર આપઘાત મામલો, પોલીસે કરી પતિ, સસરા અને સાસુની ધરપકડ

Ahmedabad: અમદાવાદના નરોડામાં ત્રીજા માળેથી પુત્ર સાથે ઝંપલાવીને માતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઈને માતા અને પુત્રના આપઘાત મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પતિ , સસરા અને સાસુની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરાની સારથી રેસિડન્સીમાં પારિવારિક ત્રાસથી કંટાળી મહિલાએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે મોત વ્હાલું કર્યું હતું. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ પોતાના 7 વર્ષના પુત્ર રિધમ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. જ્યારે આ ઘટનાને લઈને પોલીસે પતિ, સસરા અને સાસુ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી હતી. જેને લઈને હાલ આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: નરોડામાં સાસરીયાઓના ત્રાસથી પરિણીત મહિલાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું