October 7, 2024

Budget 2024: આજે મોદી સરકાર 2.0 નું અંતિમ બજેટ

દિલ્હી: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. દરેક બજેટની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને ખેડૂત વર્ગ માટે સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બજેટથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે. વર્ષ 2019માં એનડીએ સરકારે ખેડૂતો અને મજૂર વર્ગ બંનેને રાહત આપી હતી.

નવી કર વ્યવસ્થામાં વધુ છૂટ મેળવો
નાણામંત્રીએ વર્ષ 2023-24ના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ રિબેટમાં વધારો કર્યો હતો. આ અંતર્ગત ટેક્સ છૂટની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, પરંતુ નોકરીયાતોને આશા છે કે સરકાર તેને ફરીથી વધારશે. જૂની ટેક્સ પ્રણાલીની જેમ તેમાં ટેક્સ બચાવવાની કોઈ જોગવાઈ નથી. આવી સ્થિતિમાં 7 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવી જોઈએ.

જૂની ટેક્સ વ્યવસ્થાનો વ્યાપ વધારવો જોઈએ
જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ છેલ્લો ફેરફાર 2019માં કરવામાં આવ્યો હતો. અગાઉ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો ન હતો, પરંતુ 2019ના બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાંથી છૂટ આપી હતી. જો કોઈ વ્યક્તિની કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો તેણે આવકવેરો ભરવો પડશે. જૂના રીજીમ હેઠળ, આવકવેરાના વિવિધ વિભાગો હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે. જૂના ટેક્સ રીજીમનો વ્યાપ વધારવા માટે નોકરીયાત પક્ષ તરફથી પણ અપેક્ષા રાખવામાં આવે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર
ઘણા નોકરી કરતા લોકોને પણ આશા છે કે સરકાર દ્વારા આવકવેરાના સ્લેબના દરમાં સુધારો કરવામાં આવશે. મધ્યમ આવક વર્ગને ધ્યાનમાં રાખીને ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી લોકોની માંગ છે. નવી કર વ્યવસ્થામાં કરનો મહત્તમ દર 25% છે. જૂના રીજીમ હેઠળ મહત્તમ દર 37% છે. એવી માંગ કરવામાં આવી રહી છે કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં મળતી રાહત જૂની ટેક્સ સિસ્ટમ પર પણ લાગુ થવી જોઈએ.