October 5, 2024

સમગ્ર તાપી જિલ્લામાં ધીમીધારે વાવણીલાયક વરસાદ, ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

દિપેશ મજલપુરીયા, તાપી: તાપી જિલ્લામાં ધીમી ધારે પણ સતત અને ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ખેતકાર્ય માં જોતરાયા છે, તો બીજી તરફ પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. તો ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

તાપી જિલ્લામાં ધીમીધારે પરંતુ સતત વરસાદ ને પગલે પ્રકૃતિ સોળેકડાએ ખીલી ઉઠી છે, બીજી તરફ તાપી જિલ્લા માંથી પસાર થતી મીંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી, વાલ્મિકી, ઓઝર જેવી મોટેભાગની નદીઓમાં ભરપૂર પાણી આવવાને લઈને નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને પગલે આ લોકમાતા સાથે જોડાયેલ ગામોના લોકોમાં પાણીને લઈ ચિંતા દૂર થઈ છે, અને ખેડૂતો સહર્ષ ખેતીકાર્ય માં જોતરાતા છે. તેમના માથે થી એપ્રિલ મેં માસ સુધી નું પાણીનું સંકટ દૂર થયું થયું હોવાનો અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે.

તો, બીજી બાજુ તાપી જિલ્લામાં સારો વરસાદ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ ડેમ માં 21004 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની જળ સપાટી 310.63 ફૂટ છે. મહત્વનું છે કે, ડેમની ભયજનક જળ સપાટી 345 ફૂટ છે.