મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે

કમલેશ રાવલ, મહેસાણાઃ જિલ્લા ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લામાં ઉતપન્ન થતી ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને બજાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે કાર્યરત થનાર આ પ્રોજેકટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેકટ અંતર્ગત ઊંઝા નજીક મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોની ખેત પેદાશ ખરીદી ઊંઝા ખાતે તૈયાર થનાર વેર હાઉસ ખાતે મોકલશે અને ત્યારબાદ ઊંઝાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે. આગામી શુક્રવારથી આ પ્રોજેકટ શરૂ થશે.જેમાં ઊંઝાથી મુન્દ્રા સુધીની પ્રથમ ટ્રેન રવાના થશે.
ગણતરીના કલાકોના દેશના વિવિધ શહેરોમાં પહોંચશે
શાકભાજી પકવતા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ત્વરિત વેચાણ હોય છે .શાકભાજીનું જો ત્વરિત વેચાણ ન થાય તો ખેડૂતને મોટું નુકસાન જતું હોય છે. આ કારણે ખેડૂતોએ શાકભાજીનું વેચાણ સ્થાનિક સ્તરે જ કરવું પડે છે. પરંતુ જે સ્થળે ખેત પેદાશની વધુ માંગ હોય ત્યાં બજારમાં શાકભાજીનું વેચાણ થાય તો ખેડૂતને મહત્તમ લાભ મળી શકે છે. જો કે મહેસાણા જિલ્લાના ખેડૂતની આ સમસ્યાનું આગામી 6 મહિનામાં નિરાકરણ થઈ જશે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં અમલમાં મુકાયેલ પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપી છે. આ પ્રોજેકટ અંતર્ગત મહેસાણામાં ઉત્પાદિત થતા લીંબુ,બોર,મરચા,અને અન્ય શાકભાજી સીધા મેટ્રો સિટીમાં પહોંચશે. આ માટે વિવિધ એપીએમસીના માધ્યમથી ખેત પેદાશની સીધી ખેડૂતના ખેતરમાંથી ખરીદી થશે. આ પાક ઊંઝા નજીક તૈયાર થનાર રેલવેના વેર હાઉસ ઉપર આવશે. ત્યારબાદ રેલવે દ્વારા આ પાક ગણતરીના કલાકોના દેશના વિવિધ શહેરોમાં પહોંચશે.
આ પણ વાંચો: રાજકોટમાં ફાયરિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે કરી કાર્યવાહી
એપીએમસી સાથે ટાઈઅપ
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો.જાસમીન હસરત દ્વારા આ સમગ્ર પ્રોજેકટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રોજેકટ મંજુરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. જે પ્રોજેકટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.વેસ્ટર્ન રેલવે અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે જિલ્લાની તમામ એપીએમસી સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ એપીએમસી એ આ માટે માળખું પણ તૈયાર કરી દીધું છે. રેલવે વિભાગ દ્વારા પણ આ પ્રોજેકટને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 6 મહિનામાં પ્રોજેકટ સંચાલનમાં આવી જાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. ખેડૂતને ત્યારે જ પોષણક્ષમ ભાવ મળી શકે જ્યારે માંગ અને પુરવઠાના નિયમ મુજબ માંગ વધુ હોય ત્યાં ખેત પેદાશનું વેચાણ થાય.આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલા આ પ્રોજેકટમાં ખૂબ ઓછા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સાથે મહેસાણામાં પાકેલા લીંબુ દેશના ખૂણે ખૂણે પહોંચી શકશે.