મણિપુરના CM બિરેનસિંઘે રાજીનામું આપ્યું, આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી

Manipur CM Resigned: મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે રવિવારે સાંજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ગયા વર્ષે બિરેન સિંઘે મણિપુર હિંસા માટે મણિપુરના લોકો પાસે માફી માંગી હતી.
તેમણે કહ્યું કે આ આખું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું. અત્યાર સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના તમામ લોકોની માફી માગુ છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. ઘણા લોકો પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા. આ સાથે તેમણે લખ્યું હતું કે મને આશા છે કે 2025માં રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. મણિપુર વિધાનસભાનું સત્ર આવતીકાલે એટલે કે 10 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થવાનું હતું. વિપક્ષ મણિપુર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે એન બિરેન સિંઘને બે વર્ષ પહેલા જ બરતરફ કરી દેવા જોઈતા હતા. કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, “દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરના ધારાસભ્યોનો અંતરાત્મા જાગી ગયો છે. તેમણે મજબૂરીમાં રાજીનામું આપ્યું છે.”
એન બિરેન સિંઘ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, ત્યાર બાદ તેમણે સાંજે રાજીનામું આપી દીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડીવારમાં ધારાસભ્ય પક્ષની બેઠક થશે, જેમાં પાર્ટી હાઇકમાન્ડ સાથે વાત કર્યા પછી નવા નેતાની પસંદગી કરવામાં આવશે.