November 5, 2024

ભારતથી પરત જતાં જ મુઇજ્જુએ કેમ બદલી સરકાર? 7 મંત્રી-43 ઉપમંત્રીઓની હકાલપટ્ટી

માલદીવઃ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ તેમની સરકારમાં મોટો ફેરફાર કર્યો છે. આર્થિક પેકેજ સાથે મુઇજ્જુ ભારતથી પરત ફરતાંની સાથે જ સરકારના સાત રાજ્ય મંત્રીઓ, 43 નાયબ મંત્રીઓ, 109 વરિષ્ઠ રાજકીય નિર્દેશકો અને 69 રાજકીય નિર્દેશકોને બહારનો રસ્તો બતાવ્યો. તેમનું માનવું છે કે, આનાથી સરકારી તિજોરીમાં મોટી બચત થશે. તેની પાછળનો હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો છે.

મોહમ્મદ મુઇજ્જુએ X પર કહ્યું, ‘અમે દેશમાં આર્થિક સુધારણા એજન્ડાને લાગુ કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે છેલ્લા 15 દિવસમાં મેં વિવિધ સરકારી મંત્રાલયોમાંથી 228 રાજકીય નિમણૂંકોને દૂર કરવાની સૂચના આપી છે. આનાથી સરકારના બજેટમાંથી દર મહિને 5.714 મિલિયન આરએફ (માલદીવનું ચલણ) બચશે. 17 નવેમ્બરના રોજ મુઇજ્જુએ માલદીવમાં સત્તા સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થશે. તેમનો ઉદ્દેશ્ય માલદીવને દેવાના દલદલમાંથી બહાર કાઢવાનો છે.’

ત્યારે ભારતે એક મોટું પેકેજ આપ્યું હતું
વર્લ્ડ બેન્કે તાજેતરમાં જ કહ્યું હતું કે, માલદીવની આર્થિક હાલત ખૂબ ઝડપથી ખરાબ થઈ રહી છે. ત્યાંની અર્થવ્યવસ્થા અનેક પડકારોનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં માલદીવને તાત્કાલિક આર્થિક સુધારાની જરૂર છે. ત્યારપછી મુઈજ્જુ ભારત આવ્યો અને આર્થિક પેકેજની માગ કરી હતી. ભારતે તેને 400 મિલિયન ડોલરનું પેકેજ આપ્યું છે. ભારતથી પરત ફર્યા બાદ મુઈજ્જુ આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત આકરા નિર્ણયો લઈ રહ્યા છે. સરકારી મંત્રાલયો, રાષ્ટ્રપતિ કાર્યાલય, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર કામ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

દેવાના બોજ હેઠળ ડૂબી ગયું
માલદીવ બજેટ ખાધ અને દેવાના બોજથી ઝઝૂમી રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 440 મિલિયન ડોલર થવાને કારણે તેને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માલદીવે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના કાર્યકાળ દરમિયાન ચીન પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધું હતું. ચીન હજુ પણ માલદીવને 1.37 અબજ ડોલરનું દેવું છે. માલદીવ જાણે છે કે આ મામલે માત્ર ભારત જ તેની મદદ કરી શકે છે.