તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના હિરપુરા ગામમાં રહેતા એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, મનોજ પટેલે વ્યાજખોરોના ત્રાસથી સેલફોસની ઝેરી ગોળીઓ ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમિતા પટેલના પતિ મનોજ પટેલ વ્યાજખોરોની ચૂંગાલમાં ઘણાં લાંબા સમયથી ફસાયેલા હતા અને તેના પગલે વિજાપુર પૂર્વ નગરપાલિકા પ્રમુખ રેણુસિંહ ચૌહાણ, સંજય દેસાઈ, પિયુષ દેસાઈ અને ભરત પટેલ નામના વ્યાજખોરોનો મનોજ પટેલ ઉપર માનસિક ત્રાસ વધી ગયો હતો. આથી આ ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા મનોજ પટેલે પોતાના જ ઘરમાં સેલફોસની ઝેરી ગોળી ખાઈને જીવન ટૂંકાવી નાંખ્યું છે.
આ વ્યાજખોરો પાસેથી બેથી ત્રણ લાખ મનોજ પટેલે 20 ટકા વ્યાજે લીધા હતા અને સમયસર રૂપિયા ન ચૂકવે તો પેનલ્ટી વસૂલતા હતા. મનોજ પટેલ રૂપિયા 40 લાખથી વધુ ચૂકવ્યા બાદ પણ ઉઘરાણી કરતા હતા પણ રૂપિયા ચૂકવવામાં અસમર્થ બનતા મનોજ પટેલને જાનથી મારી નાંખવા અને પરિવારને પતાવી દેવાની ધમકી આપતા મનોજ પટેલે અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન મળેલી સુસાઇડ નોટ અને કોલ રેકોર્ડિંગના પુરાવાને આધારે પૂર્વ નગરપાલિકા પ્રમુખ રેણુસિંહ ચૌહાણ સહિત ચાર વ્યાજખોરો સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.