November 5, 2024

જાસલપુરની દુર્ઘટના મામલે મોટો ખુલાસો, આ કારણથી 9 મજૂરોનો ભોગ લેવાયો!

મહેસાણાઃ જાસલપુરમાં ગઈકાલે કન્સ્ટ્રક્શન સાઇટ પર એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં માટીની ભેખડ ધસી પડવાને કારણે 9 લોકોનાં દટાઈ જવાથી મોત નીપજ્યા હતા. ત્યારે આ મામલે કડી પોલીસે ફરિયાદ પણ નોંધી છે. હવે આ દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ‘જે સ્થળે ફેકટરી બની હતી, ત્યાં મોટો ખાડો હતો. 20 ફૂટ જેટલું માટીનું પુરાણ કરીને કંપની બનાવવામાં આવી હતી. માટીનું પુરાણ કર્યા બાદ પાણીનો યોગ્ય છંટકાવ કર્યા વિના જ ફેકટરીનું કામ ચાલું કરી દેવામાં આવ્યું હતું. માટી પરિપક્વ થયા વિના ખાડો ખોદી ચણતર કામ ચાલુ કર્યું હતું. ત્યારે જ્યાં ચણતર ચાલતું હતું તેની બાજુમાં જ જેસીબીથી ખાડો ખોદવામાં આવતો હતો. તેને કારણે માટી કાચી હોવાથી ધસી પડી હતી. વાસ્તુ શાસ્ત્ર મુજબ મશીન જમીન લેવલથી ઊંચે લગાવવાનું હતું. તેથી કંપનીનું કામ કરવા માટે 20 ફૂટ પુરાણ કરવામાં આવ્યું હતું.’

શું હતી સમગ્ર ઘટના?
કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. હાલ તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી કડીની કુંડાળ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજૂરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્ર-રાજ્ય સરકારની સહાયની જાહેરાત
આ ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર તથા CM ભૂપેન્દ્ર પટેલે મૃતકનાં પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે.