December 10, 2024

‘કાશ્મીર છોડો, કામની વાત કરો’, બેલારુસના રાષ્ટ્રપતિએ પાકિસ્તાની PMના ધજાગરાં ઉડાવ્યાં

Pakistan: પાકિસ્તાન સમયાંતરે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને વિશ્વની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરતું રહે છે. પરંતુ તેને હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. તાજેતરમાં પાકિસ્તાને પોતાના દેશમાં કાશ્મીરનો રાગ આલાપવો મુશ્કેલ બની ગયો છે અને તેને પોતાના ઘરમાં જ ઘણી શરમનો સામનો કરવો પડ્યો.

બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સોમવારે (25 નવેમ્બર 2024) પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં તેમની મુલાકાત કરી હતી. જ્યારે તેમણે આ બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લુકાશેન્કોએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા નથી. “હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગ વિશે વાત કરવા આવ્યો છું.”

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, મીટિંગ દરમિયાન શહેબાઝ શરીફે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને ખાસ મિત્ર ગણાવ્યા અને પછી તેમની સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેઓ ઇચ્છતા હતા કે લુકાશેન્કો કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપે, પરંતુ તેના બદલે બેલારુસના રાષ્ટ્રપતિએ જે કર્યું તે શરીફ માટે મોટો આંચકો સમાન હતો. લુકાશેન્કોએ આ અંગે બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કાશ્મીર છોડો, હું અહીં માત્ર વેપાર અને દ્વિપક્ષીય સહયોગની વાત કરવા આવ્યો છું.

આ પણ વાંચો: માનવ તસ્કરી કેસમાં છ રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા, NIAની કાર્યવાહી

બેલારુસના રાષ્ટ્રપતિનો આ જવાબ સાંભળીને શરીફ અસ્વસ્થ દેખાતા હતા. બેલારુસના રાષ્ટ્રપતિના સ્પષ્ટ વલણે પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો પર સવાલો ઉભા કર્યા છે અને વિશ્વની સામે પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. પાકિસ્તાનની કૂટનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે શાહબાઝ શરીફે પ્રોટોકોલ તોડીને પોતે બેલારુસના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.