દુનિયાની સૌથી અઘરી સ્પોર્ટ ‘આયર્નમેન ટ્રાયથ્લોન’માં અમદાવાદના વકીલ મંથન રાવલનો ડંકો

અમદાવાદ: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 27મી એપ્રિલના રોજ ‘આયર્નમેન ટ્રાયથ્લોન’ યોજાઇ હતી. જેમાં વિશ્વના અલગ-અલગ દેશના 3000થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આયર્નમેન ટ્રાયથ્લોનમાં અમદાવાદના યુવાન વકીલ મંથન રાવલે પણ ભાગ લીધો હતો. મંથન રાવલે આ સ્પર્ધા 16 ક્લાક 45 મિનિટમાં પુરી કરી હતી. મંથન રાવલ આ પ્રકારની સ્પર્ધા માટે છેલ્લા 1 વર્ષથી વધારે સમય મહેનત કરી રહ્યાં હતાં.
નોંધનીય છે કે, આયર્નમેન ટ્રાયથ્લોન એ વર્લ્ડ ટ્રાયથ્લોન કોર્પોરેશન (WTC) દ્વારા આયોજિત લાંબા-અંતરની ટ્રાયથ્લોન રેસની શ્રેણીમાંની એક છે, ‘આયર્નમેન ટ્રાયથ્લોન’ એ દુનિયાની એક દિવસમાં પૂરી કરવાની સૌથી અઘરી સ્પોર્ટ છે. આયર્નમેન ટ્રાયથ્લોન વ્યાપકપણે વિશ્વની સૌથી મુશ્કેલ વન-ડે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાંની એક માનવામાં આવે છે. જેમાં વ્યક્તિએ 3.8 કિમી. ખુલા દરિયા/તળાવમાં તરવાનું, ત્યારબાદ તરત જ 180 કિમી સાઇકલીંગ કરવાની, ત્યારબાદ 42.2 કિમી રનીંગ કરવાનું અને આ બધુ માત્ર 17 કલાકની અંદર જ પૂરું કરવાનું હોય છે. દુનિયાના વિકસિત દેશોમાં આ સ્પર્ધા છેલ્લા ઘણા વર્ષોથી થાય છે.
અગાઉ મંથન રાવલે ઘણી બધી મેરેથોન, અલ્ટ્રા મેરેથોન પણ પુરી કરેલ છે અને અલગ-અલગ સાઇકલની સ્પર્ધા પણ ભાગ લીધો હતો. વકીલાત ક્ષેત્રમાં 2014થી જોડાયેલ હોવા છતાં સમયનો સદુપયોગ કરી તેઓ 2016થી દર રોજ શારીરિક અલગ-અલગ પ્રવૃતિઓ કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ કરીને ગુજરાતી ઓ માત્ર હરવા-ફરવા તથા સારી જગ્યાએ જમવા જવામાં માને છે, પરંતુ આ યુવાન વકીલે આ બાબતે અલગ રીતે ઉદાહરણ આપી સમાજને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો છે.