ખાવડામાં મદરેસા પર બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા
નીતિન ગરવા, કચ્છઃ જિલ્લાના ભુજ તાલુકામાં સરહદી વિસ્તારમાં આવેલા ખાવડામાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે મદરેસા તરીકે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ પર કચ્છ વહીવટી તંત્રએ બુલડોઝરી ફેરવી નાંખ્યું છે. અગાઉ પણ મદરેસાના બાંધકામના વિવાદ મામલે ચર્ચમાં રહેલું ખાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
ગઈકાલે કચ્છના ખાવડામાં ગેરકાયદે ચાલતા મદરેસા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સરકારી જમીન પર ચણવામાં આવેલા 3 મદરેસા જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આ કાર્યવાહી અંગે કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રસીદ સમાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ચાર મદરેસા તોડ્યા હતા. ત્યારે નોટિસ આપવામાં આવી હતી પરંતુ ગઈકાલે જે કાર્યવાહી કરવામાં એમાં અમને નોટિસ આપવામાં આવી નહોતી. આકારણી પર બાંધકામ કરવામાં આવે એને તંત્ર અમાન્ય ગણે છે તો એ જ પ્રકારે અન્ય ધાર્મિક બાંધકામો પણ થયેલા છે એને તોડવામાં આવતા નથી એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ ગઈકાલે થયેલી દબાણ કામગીરી અંગે ભુજ પ્રાંત સાથે વાત કરતા મદરેસા તોડી પાડવાની વાત અંગે સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ખાવડા મધ્યે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ખાવડા મધ્યે તોડી પડાયેલી ગેરકાયદેસર બાંધકામોમાં મદરેસા તરીકે તેનો ઉપયોગ થતો હતો તેવું હાલ અમારા ધ્યાને આવ્યું છે. કોઈપણ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. સુરક્ષા હેતુસર હાલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. કોઈ વ્યક્તિઓએ ખોટી અફવાઓમાં આવીને ભરમાવું નહીં તેવી મારી ખાસ અપીલ છે.
સતત ત્રીજા દિવસે કચ્છમાં ડિમોલેશન
કચ્છમાં સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્રએ સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. જિલ્લામાં દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે ખાવડાના રતાડીયા અને કોટડા ચેકપોસ્ટ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદે દુકાનો સહિત 8 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ભુજ પ્રાંત, DSYSP, મામલતદાર અને PI સહિતના અધિકારીઓની ટીમ કામગીરીમાં જોડાઈ હતી.