ખેડામાં સિંચાઈનું પાણી ન આપતા પાક બગડે તેવી સ્થિતિ; મંત્રી મૌખિક વચન ભૂલ્યાં હોવાનો ખેડૂતોનો આક્ષેપ

યોગીન દરજી, નડિયાદઃ ઠાસરા તાલુકાના નેસ ગામેથી પસાર થતી મહી કેનાલ ઉપર આજે પાંચ ગામના ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ પ્રદર્શન કરવાનું કારણ હતું ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી. આવનારી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવા સુચના અપાઈ છે. ત્યારે જો પાણી બંધ કરવામાં આવે તો આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
થોડા સમય અગાઉ આ ગામોના તમામ ખેડૂતો દ્વારા ખાનગી બસ કરી ગાંધીનગર સુધી ઉનાળુ પાકના પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ત્યાંના મંત્રીઓ દ્વારા આ ખેડૂતોને મૌખિક વચન આપવામાં આવ્યું હતું. તેમનો ઉનાળુ પાક સિંચાઈના પાણીને લઈ નહીં બગડે અને તેમને સિંચાઈ માટે 15 એપ્રિલ સુધી પાણી મળશે પરંતુ મૌખિક વચન આપેલું. હવે આ વચન મંત્રી ભૂલી જતા આજે ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા 25 વર્ષથી મહી સિંચાઈ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગમાં પાણી બંધ કરી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે.
ઘઉં, બાજરી, રાજગરો જેવી તમામ ખેતી અત્યારે જે લીલીછમ દેખાઈ રહી છે. તે આવનારા દિવસોમા બંજર થાય તો નવાઈ નહીં, તેમ ખેડૂતોનું કહેવું છે. સરકારના મંત્રી દ્વારા તેમને મૌખિક વચન આપતા તેમને ઉનાળુ પાકની તૈયારીઓ કરી હતી. પરંતુ હવે સરકારના મંત્રી એ આપેલું વચન ભૂલી જતા તેમનો પાક નિષ્ફળ જાય તેવું દેખાઈ રહ્યું છે. આ ખેડૂતો દ્વારા જો 31 માર્ચે પાણી બંધ કરી દેવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.