October 11, 2024

મહમૂદ ગઝનીએ આ મંદિરને લૂંટ્યું, 12મી સદીનું પૌરાણિક શિવાલય ‘ગળતેશ્વર મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણી પૂનમ છે આજે એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. આજે વાત કરીશું વધુ એક અતિપૌરાણિક શિવાલય વિશે. અંદાજે 12મી સદીમાં બંધાવેલું આ શિવાલય ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સરનાલ ગામની સીમમાં આવેલું છે. આવો જાણીએ ‘ગળતેશ્વર મહાદેવ’નો ઇતિહાસ…

શું છે શિવાલયનો ઇતિહાસ?
એવું માનવામાં આવે છે કે, આ શિવાલય સોલંકી શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું. મહીસાગર અને ગળતી નદીનાં સંગમસ્થાને આ શિવાલય સ્થિત છે. દંતકથા પ્રમાણે, આ જગ્યાએ ગાલવ મુનિ ચંદ્રહાસ રહેતા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી હતી અને તેનાથી શિવજી પ્રસન્ન થયા હતા. ત્યારબાદ મહાદેવ આ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ્યા હતા. આ શિવલિંગ પર ગળતી નદીના ઝરણાનું પાણી પડે છે અને અભિષેક થતો રહે છે.

અન્ય એક દંતકથા પ્રમાણે, આ મંદિરને ભગવાન શિવજીએ ખુદ પોતાના હાથોથી બનાવ્યું છે. તેઓ નહોતા ઇચ્છતા કે આ મંદિર બનાવતી વખતે કોઈ તેમને જોઈ લે, એટલે ભગવાન રાત્રિના સમયમાં આ મંદિરનું નિર્માણ કરતા હતા અને દિવસ ઊગતાં પહેલાં તેઓ જતા રહેતા હતા. પરંતુ દુઃખની વાત તો એ છે કે તેઓ આ મંદિરને સંપૂર્ણ રીતે ના બનાવી શક્યા! સદીઓથી આ મંદિર શિખર વગર શોભતું હતું.

વધુ એક દંતકથા પ્રમાણે, જ્યારે મહમૂદ ગઝની સોમનાથ મંદિરને લૂંટીને જઈ રહ્યો હતો, ત્યારે એની નજર આ ગળતેશ્વર મંદિર પર પડી અને તેણે આ મંદિરનીની છતને પૂર્ણ રીતે નષ્ટ કરી દીધી. જો કે, આ મંદિર તોડ્યાનાં કોઈ જ સંયોગિક કે વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા નથી.

આધુનિક યુગમાં બન્યું શિખર
12મી સદીમાં જેમ બન્યું હતું એમનું એમ આજે આ મંદિર અડીખમ ઊભું છે. આ આધુનિક યુગમાં તૂટેલા મંદિરનો ઘુમ્મટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષથી પુરાતન ખાતા દ્વારા આ મંદિરના ઘુમ્મટનું નિર્માણકાર્ય હાથ ધરાયું હતું. જે આજે સંપૂર્ણ રીતે પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. વિવિધ પથ્થર ઘડી આ શિખરને પૂર્ણ કરાયું છે. એ માટે નડિયાદ સંતરામ મંદિરના પ્રાતઃસ્મરણીય રામદાસજી મહારાજે પણ રસ દાખવ્યો હતો.

ગળતેશ્વર મંદિરની વાસ્તુકલા
આ શિવાલય ભૂમિજા શૈલીમાં બનાવાયેલું છે. ગુજરાતમાં આ શૈલીથી બનાવેલા મંદિરો ખૂબ જ ઓછા જોવા મળે છે. માળવાના શાસનકાળમાં ભૂમિજા શૈલી ઘણી પ્રખ્યાત હતી. સામાન્ય રીતે પણ અષ્ટભદ્ર મંદિર બહુ જ મુશ્કેલીથી ક્યાંક જોવાં મળતાં હોય છે, આ મંદિર તેમાંનું જ એક છે. મધ્ય ભારતમાં ભૂમિજા શૈલીમાં બનેલાં મંદિરની સંખ્યા બહુ જ ઓછી છે. ગળતેશ્વર મંદિર પરમાર શૈલીથી બિલકુલ જ અલિપ્ત જ રહ્યું છે. આ મંદિર નિરંધરા પ્રકારનું છે, જેમાં વિશેષરૂપે ગર્ભગૃહ અને મંડપ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

મંદિરનું ગર્ભગૃહ કેવું છે?
આ મંદિરનું ગર્ભગૃહ તેના પાયાથી પણ નીચે આવેલું છે. આ સાથે ગર્ભગૃહ અંદરથી ચારભુજામાં બનાવેલું છે, પરતું બહારથી આ મંદિર ગોળાકાર છે. તેનો વ્યાસ 24 ફૂટ છે. મંદિરની બધી દિશાઓનાં સંરક્ષક દેવતા દિકપાલની શિલ્પાકૃતિઓ છે. મંદિરની પહેલી દીવાલ પર ભગવાન શિવજીને વિભિન્ન અવતારોમાં દર્શાવવામાં આવ્યાં છે. મંદિરના પ્રવેશદ્વારને રૂપસ્તંભથી અલંકૃત કરવામાં આવ્યો છે, જેને અબુની શૈલી કહેવામાં આવે છે. મંદિરની દીવાલો પર ગંધર્વ, તપસ્વી, ઘોડેસવાર, હાથી સવાર, રથ અને પાલખીના શિલ્પો કંડારવામાં આવ્યાં છે.

મંડપને આઠભુજાઓમાં બનાવવામાં આવ્યાં
આ મંદિરના મંડપને આઠ ભુજાઓમાં બનાવવામાં આવ્યા છે. તે જોઈને ચાલુક્ય વંશના સમયગાળા દરમિયાન બનેલા મંદિરોની યાદ તાજી થાય છે. આ મંદિર ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન બનેલા મોઢેરાનું સૂર્યમંદિર અને સેજકપૂરના મંદિરના જેવું છે. મંડપના પાછળના ભાગમાં બે ભુજાને બદલે ત્રણ ભુજા છે. આ મંડપમાં અંદરથી 8 અને બહાર નાનાં નાનાં 16 સ્તંભ છે, તેને કારણે જ મંડપની છતને સુરક્ષિત કરવામાં આવી છે.

ચતુષ્કોણીયના આકારના સ્તંભો
મંદિરની અંદર જે સ્તંભો છે તે ચતુષ્કોણીયના આકારમાં બનાવવામાં આવ્યા છે. તેમને કિનારા પરથી થોડા કાપવામાં પણ આવેલાં છે. આ સ્તંભના એક તૃતીયાંશ ભાગમાં ચાર બાજુવાળા દસ્તા બનાવવામાં આવ્યા છે અને તેના નીચેના અડધા ભાગમાં અષ્ટકોણીય દસ્તા બનાવવામાં આવ્યા છે. પછી સ્તંભો પર 16 અલગ અલગ ગોળાકાર દસ્તાઓને કીર્તિમુખમાં અલંકૃત કરવામાં આવ્યા છે. સૌથી છેલ્લે આ સ્તંભ પર નીચે ઝાડ પરથી પડતાં પાંદડાંને દર્શાવવામાં આવ્યાં છે.

કેવી રીતે પહોંચી શકાય?
ગુજરાતના દરેક શહેરથી ડાકોર જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. તો રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી ડાકોર જઈ શકાય છે. ડાકોરથી ગળતેશ્વર મહાદેવ મંદિરે જવા માટે ટેક્સી કે રિક્ષા સરળતાથી મળી રહે છે.