March 18, 2025

કર્ણાટક: ગોવાના પૂર્વ MLAને ઓટો ડ્રાઈવરે મારી થપ્પડ, થોડા સમય બાદ મોત

Former Goa MLA Slapped: કર્ણાટકના બેલાગાવીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગોવાના એક પૂર્વ ધારાસભ્યને ઓટો ચાલકે થપ્પડ મારી હતી, ઘટનાના થોડા સમય પછી પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હોબાળો મચી ગયો છે.

શું છે આખો મામલો?
શનિવારે બેલાગાવી શહેરમાં એક ઓટો ડ્રાઈવર સાથેના ઝઘડા બાદ ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્ય લાવુ મામલેદારનું મૃત્યુ થયું. ઝઘડા પછી, જ્યારે પૂર્વ ધારાસભ્ય તેમની હોટલમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે તેઓ અચાનક બેભાન થઈને પડી ગયા અને તેમનું મૃત્યુ થયું. ભૂતપૂર્વ ધારાસભ્ય 69 વર્ષના હતા. આ કેસમાં આરોપી ઓટો ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બપોરે 1:45 વાગ્યાની આસપાસ ખડા બજારમાં શ્રીનિવાસ લોજ પાસે બની હતી. એક ઓટોએ લાવુ મામલેદારની કાર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેનો ઓટો ડ્રાઈવર સાથે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે ઓટો ચાલકે મામલતદાર પર હુમલો કર્યો અને તેમને થપ્પડ મારી દીધી. આ ઝઘડા પછી હોટલમાં પ્રવેશતા જ તેનું મોત થઈ ગયું હતું.

ખડે બજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને ડીસીપી રોહન જગદીશે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. માહિતી અનુસાર, 68 વર્ષીય મામલેદાર બેલગાવી બિઝનેસ ટ્રીપ પર ગયા હતા. તેમણે 2012માં રાજકારણમાં પ્રવેશ કર્યો. અગાઉ, મામલેદાર ગોવા પોલીસમાં ડીએસપી રેન્કના અધિકારી હતા.

પોલીસનું કહેવું છે કે લાવુ મામલેદાર અચાનક એક હોટલમાં સીડી પાસે પડી ગયા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ દાખલ થાય તે પહેલાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે. આ ઘટનાને કારણે પૂર્વ ધારાસભ્યના ઘરમાં શોકનો માહોલ છે.