November 11, 2024

જૂનાગઢથી સિદસર પદયાત્રાનું આયોજન, ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું

સાગર ઠાકર, જૂનાગઢઃ દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે. જૂનાગઢની ઉમા પદયાત્રા સમિતિ દ્વારા 15મી પદયાત્રાનું પ્રસ્થાન થયું છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ માતાજીનો રથ હંકારીને પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનાં ધામ સિદસર સુધીની પદયાત્રા યોજાઈ હતી. ભાદરવી પૂનમ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે. વહેલી સવારે મા ઉમિયાજીની આરતી સાથે પદયાત્રાનું પ્રસ્થાન થયું છે. કડવા પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પદયાત્રીઓની સુવિધા અને સેવા હેતુ અનેક સેવાભાવી યુવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા.

સિદસર મુકામે કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે ભાદરવી પૂનમના દિવસે પ્રાગ્ટ્યોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સિદસર મુકામે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભાદરવી પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સિદસર મુકામે થતાં ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા જૂનાગઢથી સિદસર સુધીની 71 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢની શ્રી ઉમા પદયાત્રા સમિતિ દ્વારા 15મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના ભાવિકો જોડાયા હતા. વહેલી સવારે શણગારેલા રથમાં મા ઉમિયાજીની આરતી કરવામાં આવી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા આરતીમાં ઉપસ્થિત રહ્યા અને બાદમાં શ્રીફળ વધેરીને માતાજીના રથને હંકારીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢથી શરૂ થયેલી પદયાત્રા મજેવડી, ગોલાધર, ઉદકીયા, મોટીમારડ, ચિખલીયા થઈને ઉપલેટા મુકામે રાત્રી રોકાણ કરશે અને ઉપલેટાથી વહેલી સવારે પ્રસ્થાન કરી કોલકી, રબારીકા, પાનેલી થઈને પદયાત્રા સિદસર પહોંચશે. પદયાત્રા દરમિયાન કોઈપણ ભાવિકને કોઈ જાતની તકલીફ ન પડે તેની કાળજી લેવામાં આવે છે. પદયાત્રીઓની સેવા અને સુવિધા હેતુ ચા પાણીની સેવા, મેડિકલની કોઈ જરૂરીયાત ઉભી થાય તો મેડીકલ ટીમ, રસ્તામાં પદયાત્રીઓ માટે શરબત, નાસ્તા સહીતની સુવિધા અને પદયાત્રીઓના સામાન માટેની અલગ અલગ સેવાભાવી યુવાનોની સમિતિઓ પણ પદયાત્રામાં જોડાય છે અને નિઃસ્વાર્થ ભાવે સેવાયજ્ઞ કરવામાં આવે છે.