March 15, 2025

જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 6 નગરપાલિકાનું પરિણામ, 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. તેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થશે. ત્યારબાદ ઇવીએમની મતગણતરી કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામ આવવાના છે. જૂનાગઢ મહાનગરપાલિકાની મતગણતરી કૃષિ ઈજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે. મહાનગરપાલિકામાં 44.32 ટકા મતદાન થયું હતું.

જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપના – 52, કોંગ્રેસના – 49 અને આમ આદમી પાર્ટીના – 30 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 60 બેઠકો પૈકી 8 બેઠક બિનહરીફ થતાં ભાજપના ફાળે ગઈ છે અને હવે 52 બેઠકોનું પરિણામ આવશે. જ્યારે વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ, ચોરવાડ અને વિસાવદર નગરપાલિકાની મતગણતરી જે-તે સ્થળે કરવામાં આવશે.

  • વંથલીમાં 69.34 ટકા મતદાન થયું હતું
  • માણાવદરમાં 55.84 ટકા મતદાન થયું હતું
  • બાંટવામાં 59.36 ટકા મતદાન થયું હતું
  • માંગરોળમાં 67.20 ટકા મતદાન થયું હતું
  • ચોરવાડમાં 79.64 ટકા મતદાન થયું હતું
  • વિસાવદરમાં 65.54 ટકા મતદાન થયું હતું

જૂનાગઢ મનપામાં અત્યાર સુધીમાં કોનું શાસન?

2004થી 2009 – ભાજપ
2009થી 2014 – કોંગ્રેસ
2014થી 2019 – ભાજપ
2019થી 2024 – ભાજપ

2024માં મુદત પૂરી થતાં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014થી 2019માં મનપામાં ભાજપના 44 અને કોંગ્રેસના 16 કોર્પોરેટર હતા. 2019થી 2024માં મનપામાં ભાજપના 54 અને કોંગ્રેસના 6 કોર્પોરેટર હતા. 2014ની ચૂંટણીમાં 20 વોર્ડ અને 60 બેઠકો હતી. 2019ની ચૂંટણીમાં 15 વોર્ડ અને 60 બેઠકો થઈ હતી. આમ 2019માં નવા વોર્ડ સિમાંકન મુજબ વોર્ડની સંખ્યા ઘટી હતી અને બેઠકો યથાવત રહી હતી અને વોર્ડવાર બેઠકોની સંખ્યા 2014ની ચૂંટણીમાં 3 હતી, જે વધીને 2019માં 4 થઈ હતી.