ગીરના જંગલમાં તૃણાહારી પ્રાણીઓ પુરતી માત્રામાં
સાગર ઠાકર, જૂનાગઢ: પ્રકૃતિમાં કુદરતી રીતે સંતુલન જળવાઈ છે, એક જીવ બીજા જીવ પર નભે છે. જ્યારે વાત કરીએ ગીરના જંગલની તો એશિયાટીક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે ગીરનું જંગલ. એશિયાટીક સિંહોની સંખ્યા 674 છે આ ઉપરાંત દિપડાની પણ વસ્તી છે. સૌરાષ્ટ્રમાં એશિયાટીક લાયનના લેન્ડસ્કેપમાં વસતા તૃણાહારી વન્ય પ્રાણીઓની અંદાજીત વસ્તી અઢી લાખ જેવી છે જે પુરતી અને સંતોષકારક માત્રા કહી શકાય.
પ્રાણીઓની સંખ્યામાં વધારો
જ્યારે સિંહોના વસવાટ અને સંવર્ધનના વ્યવસ્થાપનની વાત આવે ત્યારે તૃણાહારીની સંખ્યા તેમાં મહત્વનો ભાગ ભજવે છે. તૃણાહારી પુરતી સંખ્યામાં હશે તો જ સિંહ અને દિપડા જેવા શિકારી પ્રાણીઓ કુદરતી રીતે તેનો ખોરાક મેળવી શકશે અને આ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. યોગ્ય વ્યવસ્થાપન કે જેને લઈને આજે વન્ય પ્રાણીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
વ્યવસ્થાપન કરી શકાય
ગીરનું જંગલ એશિયાટીક સિંહોનું કુદરતી નિવાસસ્થાન છે. સિંહોના સંરક્ષણ માટે તેને પુરતો ખોરાક મળી રહે તે પણ જરૂરી છે, સિંહ તૃણાહારીનો શિકાર કરીને ખોરાક મેળવે છે ત્યારે તૃણાહારીની સંખ્યા સિંહોના અસ્તિત્વ માટે પણ એટલી જ જરૂરી છે તેથી જ વન વિભાગ દ્વારા દર વર્ષે તૃણાહારીની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે જેથી સિંહ અને દિપડાના ખોરાકનું વ્યવસ્થાપન કરી શકાય.
વન્ય પ્રાણીઓની વસ્તી
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં એશિયાટીક લાયનના લેન્ડસ્કેપમાં વસતા તૃણાહારી વન્ય પ્રાણીઓની અંદાજીત વસ્તી અઢી લાખની છે, જેમાં ગીર અભ્યારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉધાન, પાણીયા અભ્યારણ્ય, મિતીયાળા અભ્યારણ્ય અને ગિરનાર અભ્યારણ્યમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી જોવા મળે છે. જેમાં ચિત્તલ, સાબર, નિલગાય, ચોશીંગા, ચીંકારા, કાળીયાર, જંગલી ભુંડ, વાંદરા, અને મોરનો સમાવેશ થાય છે. અત્યાધુનિક સાધનો દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિએ લેઝર રેન્જ ફાઈન્ડર, જીપીએસ સેટ, દુરબીન સહીતના સાધનોની મદદથી તૃણાહારીની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે સિંહ સંરક્ષણ અને તેના વ્યવસ્થાપન માટે ઉપયોગી સાબિત થાય છે.
ટેન્કરની મદદથી પાણી
જે રીતે સિંહ અને દિપડા તૃણાહારી પ્રાણીઓ પર નિર્ભર છે તે જ રીતે તૃણાહારી માટે ઘાસચારો અને પાણી મહત્વના છે. તૃણાહારી પ્રાણીઓ માટે ખાસ કરીને ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવી જરૂરી હોય છે, ગીરના જંગલમાં કુલ 618 પાણીના પોઇન્ટ છે જેમાં 167 કુદરતી અને 451 કૃત્રિમ પાણીના પોઇન્ટ છે. જે કૃત્રિમ પાણીના પોઇન્ટ છે તેમાં પાણીની વ્યવસ્થા માટે સોલાર, પવનચક્કી અથવા તો ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ સ્થળો ચોમાસામાં ફરવા માટે છે બેસ્ટ
કુદરતી રીતે ખોરાક
જે ઉનાળા દરમિયાન વન્યપ્રાણીઓની પાણીની જરૂરીયાત પુરી કરે છે. તમામ જીવો માટે ખોરાક ઉપરાંત પાણી અનિવાર્ય છે, ગીરનું જંગલ સૂકા પાનખર પ્રકારનું જંગલ છે અને સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે. ગીરના જંગલમાં 41 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ, 47 પ્રજાતિના સરીસૃપ 338 પ્રજાતિના નિવાસી અને યાયાવર પક્ષીઓ તેમજ બે હજાર થી વધુ પ્રજાતિ ના કિટકો વસવાટ કરે છે. આ તમામ વન્યજીવોની ફુડ ચેઈન સંતુલિત રહે અને કુદરતી રીતે તેને ખોરાક મળતો રહે તે માટે વન વિભાગનું વ્યવસ્થાપન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, વન્યજીવોના સંરક્ષણ માટે પણ આ વ્યવસ્થાપન ખુબ જ મહત્વપૂર્ણ બની રહે છે.