December 4, 2024

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો જૂનાગઢમાં ધસારો, રોપવે-ઉપરકોટમાં માનવ મહેરામણ ઉમટ્યું

સાગર ઠાકર, જૂનાગઢઃ હાલ દિવાળીના તહેવારોમાં વેકેશનનો માહોલ છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા જૂનાગઢમાં ઉમટ્યા છે. ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો, સક્કરબાગ ઝૂ સહિતનાં પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જોવા મળે છે. તહેવારોની રજાને લઈને પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ પણ આનંદની લાગણી અનુભવે છે.

જૂનાગઢ પ્રવાસનનું ધામ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાતે આવે છે. ખાસ કરીને ગિરનાર રોપવે કે જે એશિયાનો સૌથી મોટો રોપવે છે તેનો એક આનંદ માણવા લોકો દૂર દૂરથી આવે છે. ગિરનાર રોપવેમાં હજુ શરૂઆત છે, ત્યાં જ દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ પ્રવાસીઓ રોપવેની સફર માણી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને તેમને લાઈનમાં ઉભવું ન પડે તે માટે મંડપ નાખીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રોપવેમાં સફર કરીને લોકો મા અંબાજીના દર્શન કરીને પરત ફરે છે. ત્યારે રોપ-વે સ્ટેશન પર રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. આ સાથે લોકો ખરીદી અને મનોરંજન માણી શકે તે માટેની પણ પુરતી સુવિધા ઉભી કરવામાં આવી છે. લોકોના મનોરંજન માટે વિવિધ કાર્ટુન કેરેક્ટર અને મંકી મેન લોકોનું મનોરંજન કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપવેની સફર માણીને આનંદની લાગણી અનુભવે છે.

ગિરનાર રોપવેની સાથે ઉપરકોટ કિલ્લામાં પણ પ્રવાસીઓની ભીડ રહે છે. એક વર્ષ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીનીકરણ બાદ કિલ્લો ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારથી ઉપરકોટ કિલ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉપરકોટ કિલ્લામાં પણ દરરોજ સરેરાશ પાંચ હજારથી વધુ પ્રવાસીઓ હાલ મુલાકાત કરી રહ્યા છે અને એક અલગ જ અનુભવ અને રોમાંચ અનુભવે છે. રજાના દિવસોમાં પરિવારના લોકો ફરવા નીકળ્યા હોય અને બાળકો પણ સાથે હોય એટલે સક્કરબાગ ઝૂની લોકો અવશ્ય મુલાકાત કરતા હોય છે. ખાસ કરીને ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ જોઈને બાળકોને આનંદ આવતો હોય છે અને હાલ તહેવારોની રજામાં સક્કરબાગ ઝૂમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને વિવિધ જાતના પશુ પક્ષીઓ નિહાળે છે.

જૂનાગઢમાં છેલાલા પાંચ વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે ખુબ જ વિકાસ થયો છે. વર્ષ 2020માં ગિરનાર રોપવે કાર્યાન્વિત થયો અને વર્ષ 2023માં ઉપરકોટ કિલ્લો નવીનીકરણ કરીને ખુલ્લો મુકાયો, સક્કરબાગ ઝૂ તો પહેલે થી જ પ્રવાસીઓની પસંદ છે અને તેમાં પણ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે આમ જૂનાગઢ આવનાર પ્રવાસીઓ નિરાશ થતાં નથી અને પોતાની સફરનો પુરતો આનંદ માણી શકે છે. પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સુવિધાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે અને તેથી જ લોકો જૂનાગઢમાં રજા માણવાનું પસંદ કરે છે અને હાલના દિવાળીના તહેવારની રજામાં જૂનાગઢ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે.