September 20, 2024

ભારે વરસાદથી જૂનાગઢમાં તારાજી, પાક ધોવાતા ધરતીપુત્રો પાયમાલ

સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ કરીને ખેતીપાકોને ભારે નુકસાની પહોંચ્યું છે. જૂનાગઢ તાલુકામાં ગિરનાર પર્વત પરથી આવતાં પાણી ખેતી પાકોને નુકસાન કરે છે. તો ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે માણાવદર તાલુકાના ગામોમાં ભાદરના પાણી ફરી વળતા ખેતી પાકોને નુકસાન સાથે ખેતીની જમીનનું પણ ધોવાણ થઈ જાય છે.

દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થાય છે અને નદી-નાળા છલકાઈ જાય છે. આ તમામ વરસાદી પાણી નદીના પાળા તોડીને ખેતરોમાં ફરી વળતાં ભારે તારાજી સર્જાઈ છે. ખેતીપાકોને ભારે નુકસાની થાય છે. ખેડૂતોએ જ્યાં વાવેતર કર્યું હોય તેનું ધોવાણ થઈ જાય છે. તો ક્યાંક જમીનનું ધોવાણ થઈ જતાં ખેતી કરી શકાતી નથી. ખેડૂતોને દરવર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

ખેડૂતોની માગ છે કે, નદીઓ ઉંડી કરવામાં આવે, નદીઓનાં પાળા બનાવવામાં આવે જેથી નુકસાની ઘટાડી શકાય. જો કે, સરકાર માટે પણ ઘેડની પરિસ્થિતિ કાયમ માટે એક ચેલેન્જ હોય છે. ન માત્ર ખેતીપાકોને નુકસાન પરંતુ જાન-માલની નુકસાની પણ થતી હોય છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તંત્ર માટે પણ મુશ્કેલી ઉભી થતી હોય છે.

જૂનાગઢ જિલ્લામાં આવતો મોટાભાગનો ઘેડ વિસ્તાર પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે. પોરબંદર લોકસભાના ભાજપના સાંસદ મનસુખભાઈ માંડવીયાએ ચૂંટણી સમયે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ માટે જાહેરાતો કરી છે, તે સાકાર થાય તો પણ ખેડૂતોને રાહત મળે તેમ છે. ત્યારે હવે સરકાર દ્વારા પણ તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.