October 11, 2024

Jharkhand: ધરપકડ થાય તો હેમંત કલ્પના સોરેનને સીએમ બનાવશે?

રાંચીઃ ઝારખંડની રાજનીતિ હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે. મંગળવારે મોડી રાત સુધી ચાલેલી સત્તાઘારી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં EDની કાર્યવાહી બાદ ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા રણનીતિ બનાવવામાં આવી હતી. સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો પાસેથી સમર્થનના પત્રો પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. સમર્થન પત્રોમાં 43 ધારાસભ્યોની સહીઓ લેવામાં આવી છે. જો કે હાલમાં તેમાં કોઈ સંભવિત નેતાનું નામ નથી.

કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે EDની ટીમ દિલ્હીથી રાંચી સુધી હેમંત સોરેનના ઠેકાણા પર પહોંચી હતી. ધારાસભ્યોએ હેમંત સોરેનને આગામી સમયમાં નિર્ણય લેવા અધિકૃત કર્યા છે. બીજી બાજુ સીએમ હેમંત સોરેનની ભાભી અને JMMના ધારાસભ્ય સીતા સોરેન આ બેઠકથી દૂર રહેતા બળવાખોર વલણ જોવા મળ્યું હતું.

હું મોટી વહુ છું, મારો અધિકાર, કલ્પનાનો વિરોધ
સીએમ પદ માટે કલ્પના સોરેનનું નામ સામે આવતા જ JMM ધારાસભ્ય સીતા સોરેને વિરોધ શરૂ કરી દીધો હતો. તેણીએ કહ્યું કે હું મીટિંગમાં નથી ગઈ, અને બુધવારે પણ મીટિંગમાં નહીં જાવ. વધુમાં કહ્યું- હું મોટી વહુ છું, આ અધિકાર મારો છે, હું કલ્પનાનો વિરોધ કરીશ. તેણીએ કહ્યું કે કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાના દરેક નિર્ણયનો વિરોધ કરીશ. સીતા સોરેને કહ્યું કે મને હંમેશા બલિદાન આપવા માટે કહેવામાં આવ્યું છે. હેમંત સોરેન જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ હું કલ્પના સોરેનને કોઈપણ રીતે સીએમ તરીકે સ્વીકારીશ નહીં. સીતા સોરેને કહ્યું કે ત્રણ વખત ધારાસભ્ય હોવા છતાં પાર્ટીએ તેમને સન્માન તરીકે કંઈ આપ્યું નથી. પાર્ટીમાં રહીને તમામ સૂચનાઓનું પાલન કર્યું. જો આવો નિર્ણય લેવામાં આવશે તો તેઓ તેને સ્વીકારશે નહીં.

ધારાસભ્યોની બેઠકમાં કલ્પના સોરેન પણ હાજર
સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન મંગળવારે પહેલીવાર રાજકીય મીટિંગમાં હાજર રહ્યાં હતા. સત્તાધારી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં કલ્પના સોરેનની હાજરીની તસવીર સામે આવતાં જ રાજકીય ખેંચતાણમાં વધારો થયો હતો. માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે જો EDની કાર્યવાહીના કારણે સીએમ હેમંત સોરેન સામે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય છે, તો કલ્પના સોરેન મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

હેમંત સોરેનના નિર્ણય સાથે કોંગ્રેસ
બીજી બાજુ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે સીએમ હેમંત સોરેનને દરેક નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હેમંત સોરેન જે પણ નિર્ણય લે તેમાં કોંગ્રેસ પાર્ટી તેમની સાથે રહેશે. કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરે પણ મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ખાનગીમાં વાત કરી હતી.