December 5, 2024

જામનગર ST ડિવિઝનને દિવાળી ફળી, 9 દિવસમાં 94.50 લાખની કમાણી

સંજય વાઘેલા, જામનગર: દિવાળીના તહેવારને લઈ અન્ય શહેરમાં નોકરી ધંધા અર્થે ગયેલા લોકો વતન તરફ દોટ મૂકતા હોય છે. આથી એસટી બસમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. આ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જામનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે નિર્ણય એસટી તંત્રને ફળ્યો છે અને જામનગર એસટીને 9 દિવસમાં 94.50 લાખ જેવી માતબર રકમની આવક થઈ છે. એટલું જ નહિ ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 15 લાખ રૂપિયા જેવી આવક થઈ છે.

જામનગર એસ.ટી. ડેપો મેનેજર એન. બી. વરમોરા એ જણાવ્યું હતું કે જામનગર એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ અગિયારસથી માંડી ત્રીજ સુધી એટલે કે ગઈકાલ સુધી નવ દિવસે સુધી વધારાની બસો દોડાવવામાં આવી હતી. રાજકોટ માટે 8 બસ, મોરબી માટે 6 બસ અને જૂનાગઢ માટે પણ 6 બસ તથા દ્વારકા માટે 4 બસ દોડાવવામાં આવી હતી. મુસાફરોને આવાગમન માટે અગવડતા ન પડે તે માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

9 દિવસ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થયું હતું જેના પરિણામે 9 દિવસમાં એસટી તંત્રના 94.50 લાખ રૂપિયાની આવક થઈ છે. મહત્વનું છે કે તહેવારોને લઈને દ્વારકામાં ભારે ભીડ જોવા મળતી હોય છે. આથી હજુ પણ દ્વારકા તરફની બસોમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.ખાસ વાત તો એ છે કે ગઈકાલે એક જ દિવસમાં 15 લાખ રૂપિયા જેવું કલેક્શન થયું હતું. જે સરેરાશ દિવસની સરખામણીએ ખૂબ વધારે કહી શકાય તેમ છે. આમ ગત વર્ષની સરખામણીએ આ આવક ખૂબ વધારે હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતુ. હજુ પણ આગામી સમયમાં ગિરનારની લીલી પરિક્રમા સહિતના પર્વને લઈ તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેનો મુસાફરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.