December 11, 2024

કેન્સર વિરોધી જનજાગૃતિમાં જામનગર ડેન્ટલ કોલેજે જીત્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

સંજય વાઘેલા, જામનગર: જામનગરવાસીઓ માટે સૌથી સારી સુવિધા કહી શકાય તેવી ડેન્ટલ કોલેજે વધુ એક વખત જામનગરનું નામ દેશભરમાં ગુંજતું કરી દીધું છે. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજને સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્સર વિરોધી પખવાડિયા દરમિયાન આ ડેન્ટલ કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્થળોએ જાગૃતિના કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા અને તેની કદર કરી અને આ એવોર્ડ મળ્યો છે.

જામનગરમાં આવેલી ડેન્ટલ કોલેજ એ જામનગરવાસીઓ માટે કોઈ વરદાનથી કમ નથી. સત્તાધીશોના દાવા અનુસાર આધુનિક સાધનો છે જે જામનગરની કોઈ ખાનગી હોસ્પિટલમાં નથી અને આધુનિક સાધનો વળે રાહતદરે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ખાસ આ ડેન્ટલ કોલેજ દ્વારા લોકોને તમાકુ મુક્તિ માટે જાગૃત કરવામાં આવે છે અને આ માટે અનેક પ્રકારના કામો કરવામાં આવે છે.

ચાલુ વર્ષે તમાકુ જાગૃતિ અર્થે ડેન્ટલ કોલેજ દ્વારા ડેન્ટલ ચેકઅપ, ડિજિટલ પોસ્ટર કોમ્પિટિશન, ફ્લેશ મોડ, ડ્રોઈંગ કોમ્પિટિશન, તમાકુને નઈ ખાવાનો શપથ કાર્યક્રમ, પ્રી-કેન્સર અને કેન્સર ચેકઅપ સહિત અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. આ કામની નોંધ લઈ દિલ્હી ખાતે સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યો છે.

જામનગર ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડો. નયનાબેન પટેલ જણાવે છે કે, મુખના સ્વાસ્થ્ય અને તમાકુના સેવનને કારણે સર્જાતા કેન્સર જેવા ભયાનક દર્દોથી લોકોને જાગૃત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક ઝુંબેશમાં દેશભરમાંથી 183 ડેન્ટલ કોલેજોએ ભાગ લીધો હતો.

મહત્વનું છે કે ગત વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાએ જામગનરની સરકારી ડેન્ટલ કોલેજ ત્રીજા ક્રમે રહી હતી. આમ સતત બે વર્ષથી રાષ્ટ્રીય કક્ષાએ કોલેજ એવોર્ડ મેળવે છે.રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સંલગ્ન નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મૌલાના આઝાદ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેન્ટલ સાયન્સીઝ (ન્યુ દિલ્હી) દ્વારા આ એવોર્ડ અપાયો છે.