September 18, 2024

જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં ‘નો હોકિંગ ઝોન’ની અમલવારી કરાવવા આવેદન

સંજય વાઘેલા, જામનગરઃ શહેરના દરબારગઢ વિસ્તારમાં ‘નો હોકિંગ ઝોન’ની અમલવારી કરાવવા માટે સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. બર્ધનચોક વેપારી એસોસિએશનના વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા પછી નો હોકિંગ ઝોનની અમલવારી માટે આવેદન પાઠવ્યું હતું.

જામનગર શહેરના દરબારગઢથી માંડવી ટાવર સુધીના માર્ગે નો હોકિંગ ઝોન માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન શિરદર્દ સમાન રહ્યો છે. પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અનેકો વખત કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ નો હોકિંગ ઝોનની અમલવારી થતી નથી અને ત્યાં અનેક પથાવાળાઓ દબાણ કરીને બેસી રહે છે.

તેના કારણે ટ્રાફિક અવરોધાય છે અને સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. વારંવારના ઝઘડા અને માથાકૂટના અંતે જામનગરના બર્ધનચોક વિસ્તારના વેપારીઓ દ્વારા આખરે પોતાના વેપાર-ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઈક રેલી રાખવામાં આવી હતી. તેઓ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી નો હોકિંગ ઝોનની અમલવારી કરાવવા માટેની ઉગ્ર માગણી કરી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે અસરકારક કામગીરી કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો અમે ગાંધીજીએ ચીંધ્યા માર્ગે ચાલીશું અને જરૂર જણાય તો હાઈકોર્ટ પણ જઈશું, તેમ વિસ્તૃત આવેદનપત્રમાં જણાવાયું છે.