February 9, 2025

ઉધમપુરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર

Jammu Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. માહિતી અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકવાદી જૂથના 4 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા હતા અને સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.

આતંકવાદીઓ ઘેરાયેલા છે
આ અથડામણમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. થોડા સમય પહેલા આ મામલાની માહિતી આપતા સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે વિશેષ ગુપ્ત માહિતીના આધારે કઠુઆમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ બોર્ડર પર આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ગુપ્ત માહિતી મળી છે
નોંધનયી છે કે, જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, ચૂંટણીના કારણે આતંકવાદી ગતિવિધિઓમાં અચાનક વધારો થઈ રહ્યો છે. અહીં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરે થશે. આ કારણે ગુપ્તચર એજન્સીઓને રાજ્યના ઘણા ભાગોમાં આતંકવાદી હિલચાલની માહિતી મળી હતી, જેમાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી અને કૈલાશ કુંડ યાત્રા પર હુમલાની શક્યતા છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ સુરક્ષા દળો અને પોલીસની જગ્યાઓ પર પણ હુમલો કરી શકે છે.

નોંધનીય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના વર્ષ 2000માં પાકિસ્તાનમાં થઈ હતી. મૌલાના મસૂદ અઝહરે ભારતમાં આતંકવાદ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ સંગઠન બનાવ્યું હતું. આ સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દેશમાં 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.