December 11, 2024

જમ્મુ-કાશ્મીર: વાહન ખાડામાં પડતાં સેનાના એક જવાનનું મોત, 6 ઘાયલ

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડતાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને છ અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે દુર્ઘટના શુક્રવારની રાત્રે માચેડી-બિલાવર રોડ પર સુકરાલા દેવી મંદિર પાસે થઈ જ્યારે સૈનિકો દૂરના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે સ્થાનિક લોકો અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સાત ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેમાંથી એક કોન્સ્ટેબલ રામ કિશોરને મૃત જાહેર કરવામાં આવ્યો. આર્મીના રાઇઝિંગ સ્ટાર કોર્પ્સે મૃત સૈનિકને પુષ્પગુચ્છ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોર્પ્સે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “રાઇઝિંગ સ્ટાર કોર્પ્સ ફરજની લાઇનમાં બહાદુર સૈનિક રામ કિશોરના અકાળે અવસાન બદલ ખેદ વ્યક્ત કરે છે. “દુઃખની આ ઘડીમાં, ભારતીય સેના શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભી છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”