December 6, 2024

લેબનોનના ગામડાઓ પર ફરી ઇઝરાયેલી સેનાની એર સ્ટ્રાઈક, 45 લોકોના મોત

Israel Hezbollah War: ઇઝરાયેલની સેનાએ લેબનોનના ગામડાઓ પર જોરદાર હવાઇ હુમલો કર્યો છે. લેબનોનના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું, લેબનોનના પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત ગામો પર થયેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. બાલબેકના ગવર્નર બશીર ખોદરે જણાવ્યું હતું કે લેબનોનના પૂર્વોત્તર ભાગમાં નવ ગામો પર થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 45 થઈ ગયો છે.

ઇઝરાયેલ લેબનોન અને ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (એનએનએ) દ્વારા અગાઉ નોંધાયેલ કરતાં મૃત્યુઆંક 17 વધુ છે. લેબનોનની સરકારી સમાચાર એજન્સી ‘એનએનએ’એ જણાવ્યું હતું કે ઓલાકના નાના ગામમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે. આ ગામમાં ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાનું ઘણું સમર્થન છે. ઇઝરાયેલે તાજેતરમાં લેબનોનના દક્ષિણી ઉપનગર દહિયામાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા, જોકે અહીં હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

60 હજારથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું
હિઝબુલ્લાના સ્થાનો પરના ભયાનક હુમલાઓને જોઈને 60 હજારથી વધુ લેબનીઝ સુરક્ષિત સ્થળોએ ભાગી ગયા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ગામડાઓમાં ફસાયેલા છે. બાલબેક-હરમેલ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા લેબનીઝ સાંસદ હુસૈન હજ હસને જણાવ્યું હતું કે ઇઝરાયેલના બોમ્બમારાને કારણે લગભગ 60,000 લોકો પહેલાથી જ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે.