March 25, 2025

IPLમાં ટોરેન્ટનો ‘POWER’PLAY, ગુજરાત ટાઇટન્સના 67 ટકા શેર ખરીદ્યા

Gujarat Titans: મેડિકલ કંપની ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સના વર્તમાન માલિક સીવીસી પાસેથી 67 ટકા (બે તૃતીયાંશ) હિસ્સો ખરીદ્યા પછી આઈપીએલ ફ્રેન્ચાઇઝીમાં બહુમતી શેરહોલ્ડર બની ગયું છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ બુધવારે આ જાહેરાત કરી હતી. આ કરાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની (BCCI) મંજૂરી સહિત અન્ય શરતો અને મંજૂરીઓને આધિન છે.

ટોરેન્ટ ગ્રુપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સમાં (Irelia Sports India Pvt Ltd) Irelia કંપની Pvt Ltd (Irelia) પાસેથી 67 ટકાનો બહુમતી હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. હાલમાં તે સંપૂર્ણપણે CVC દ્વારા સંચાલિત અથવા સલાહ આપવામાં આવતા ભંડોળની માલિકીનું છે. કરારના ભાગ રૂપે ઇરેલિયા ફ્રેન્ચાઇઝમાં 33 ટકાનો લઘુમતી હિસ્સો જાળવી રાખશે.

ટોરેન્ટ ગ્રુપનો ઇતિહાસ
ટોરેન્ટ કંપનીની સ્થાપના 1959માં ઉત્તમભાઈ નાથાલાલ મહેતાએ કરી છે. મુખ્ય વ્યવસાયો ગેસ, ફાર્મા અને પાવર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેનું માર્કેટ કેપ $25 બિલિયન હતું.એક રિપોર્ટ પ્રમાણે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના પુત્ર જીનલ મહેતા IPL રોકાણની દેખરેખ રાખશે. CVCએ ગુજરાતને 5625 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ગઈ સિઝનમાં ગુજરાતની ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી.

આ સોદો બંને માટે ફાયદાકારક છે. કારણ કે, CVC માત્ર તેનો એક તૃતીયાંશ હિસ્સો જાળવી રાખે છે. એટલું જ નહીં, પરંતુ ટીમ ખરીદવામાં તેણે મૂળ રોકાણ કરેલી રકમનો 89 ટકા હિસ્સો પણ પાછો મેળવે છે.

આ પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવાથી અમને અમારા ચાહકોના અનુભવને વધારવા અને આગામી વર્ષોમાં વૃદ્ધિના નવા રસ્તાઓ ખોલવાની તક મળવાનો આનંદ છે.’ તો સીબીસીના મેનેજિંગ પાર્ટનર સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ‘અમે આ સોદાની જાહેરાત કરતા ઉત્સાહિત છીએ જે ભારતની સૌથી લોકપ્રિય રમત સ્પર્ધા અને અમારી ટીમ ગુજરાત ટાઇટન્સ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરે છે.’