BCCIએ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિશે સ્પષ્ટતા કરી, કેપ્ટનોની બેઠક બાદ લીધો આ નિર્ણય

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી 18મી સિઝન 22 માર્ચથી શરૂ થવાની છે. જેના માટે BCCI એ 20 માર્ચે મુંબઈમાં તમામ 10 ટીમોના કેપ્ટનો સાથે બેઠક યોજી હતી. જેમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા. BCCIએ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે પણ સ્પષ્ટ કર્યું કે તે 2027 સુધી અમલમાં રહેશે.

કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા
આઈપીએલની લોકો આતુરાતથી રાહ જોઈ રહ્યા છે. પહેલી મેચ 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 20 માર્ચે મુંબઈમાં તમામ 10 ટીમોના કેપ્ટનો સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પર ચર્ચા કરવામાં આવી છે. જેના સંદર્ભમાં BCCI એ પોતાના તરફથી સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કઈ કઈ મેચ રમાશે?

ઇમ્પેક્ટ પ્લેયર નિયમ 2027 સુધી અમલમાં રહેશે
વર્ષ 2023 માં જ્યારે IPLમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ વિષય ચર્ચામાં રહ્યો છે. વર્તમાન ખેલાડીઓની સાથે ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ આ નિયમને લઈને નિવેદન આપ્યા છે. BCCI એ 20 માર્ચે મુંબઈમાં કેપ્ટનો સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે તે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ નાબૂદ કરશે નહીં અને તે 2027 સુધી અમલમાં રહેશે. ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિશે વાત કરવામાં આવે તો ટોસ સમયે, બંને ટીમોના કેપ્ટનોએ તેમના પ્લેઇંગ 11 ની જાહેરાત કરવાની અને 5 ખેલાડીઓના નામ પણ આપવાના હોય છે.જેમને તેઓ મેચ દરમિયાન અન્ય કોઈપણ ખેલાડીની જગ્યાએ સામેલ કરી શકે છે. જ્યારે પણ ઇમ્પેક્ટ ખેલાડી મેચમાં પ્રવેશ કરે છે ત્યારે તે ખેલાડી બહાર થઈ જાય છે. આ નિયમની અસર મેચોના પરિણામો પર પણ જોવા મળી છે.