October 4, 2024

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસઃ જૂનાગઢમાં આવેલું છે 122 વર્ષ જૂનું ‘દરબાર હોલ’ મ્યુઝિયમ

સાગર ઠાકર, જૂનાગઢઃ 18મી મે એટલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. ઐતિહાસિક ધરોહર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં નવાબીકાળનું 122 વર્ષ જુનું સંગ્રહાલય આવેલું છે, જેની બનાવટ અને હેતુ પણ ઘણો રસપ્રદ છે. જૂના જમાનામાં લોકોના મનોરંજન માટે એક ત્રિવિધ હેતુસર સંગ્રહાલયોનું નિર્માણ થતું હતું. એક એવું સ્થળ કે જ્યાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીની ઉંમરના લોકોને મનોરંજન મળી શકે તેવા હેતુસર સંગ્રહાલયની સાથે પ્રાણી સંગ્રહાલય અને બગીચાઓ બનતા હતા. પરંતુ હવે સમય જતા સરકારી વિભાગો વહેંચાઈ જતા આ તમામ વ્યવસ્થાઓ અલગ અલગ થઈ ગઈ છે, તેમ છતાં લોકોમાં હજુ સંગ્રહાલય પ્રત્યેનું આકર્ષણ યથાવત છે.

જૂનાગઢના સરદાર બાગમાં આવેલું ઐતિહાસિક મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અને વિશાળ મ્યુઝિયમ પૈકીનું એક છે. અહીં બે હજારથી વધુ રાજા રજવાડાના સમયની ઐતિહાસિક ચીજવસ્તુઓનો સંગ્રહ છે. જૂનાગઢ સંગ્રહાલયની સ્થાપના 2 ડિસેમ્બર 1897ના રોજ તે સમયના નવાબ રસૂલખાનજી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ વર્ષ પછી 5 ડિસેમ્બર 1901ના રોજ મુંબઈના ગવર્નર લોર્ડ નોર્થકોટના હસ્તે તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ સંગ્રહાલયમાં નવાબના શાસન દરમિયાન રજવાડાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓનો સંગ્રહ છે. નવાબનો દરબાર ભરાતો તે દરબારમાં રાજાના સિંહાસનથી લઈને દરબારીઓના બેસવાની વ્યવસ્થા માટેના જૂનવાણી સિંહાસનો અને ખુરશીઓ તે સમયની બેઠક વ્યવસ્થા મુજબ ગોઠવવામાં આવી છે. આ દરબાર હોલ તરીકે ઓળખાય છે. અહીં નવાબી કાળના હથિયાર જેમાં યુદ્ધ માટેના હથિયાર તથા ઉત્સવો એટલે કે શસ્ત્ર પૂજન માટેના હથિયારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સોના ચાંદીની એન્ટિક ચીજ વસ્તુઓ, વાસણો, રજવાડાના આભૂષણો, સોના ચાંદીના તારથી ગૂંથેલા અને ભરતકામ કરેલા વસ્ત્રો, કાચના રંગબેરંગી ઝુમ્મર, કાચનાં વાસણો, ફ્લાવર પોટ, હાથી પર બેસવાની અંબાળી, પાલખી, બગી સહિતની અદભૂત ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ સંગ્રહાલયની શરૂઆત થઈ ત્યારે તે દિવાન ચોકની બિલ્ડિંગમાં હતું. રજવાડાના સમયની એ ઈમારત જર્જરીત થતાં હાલ સરદાર બાગમાં ખસેડવામાં આવ્યું છે. હાલ સરદાર બાગમાં જ્યાં સંગ્રહાલય ખસેડવામાં આવ્યું છે, તે પણ નવાબીકાળની ઈમારત છે અને નજીકમાં જ એક સમયનું નાટ્યગૃહ ઓપેરા હાઉસ તરીકે ઓળખાય છે, તે પણ મ્યુઝિયમ હસ્તક છે. જે જૂનવાણી જમાનાની યાદ તાજી કરાવે છે. ઓપેરા હાઉસ મ્યુઝીયમ માટે ગૌરવ સમાન છે. ભારતમાં બે ઓપેરા હાઉસ છે, જેમાં એક મુંબઈનું ઓપેરા હાઉસ છે, બીજું જૂનાગઢમાં ઓપેરા હાઉસ આવેલું છે. ઓપેરા હાઉસ એટલે કે એ સમયનું થિયેટર કે નાટ્યગૃહ. જૂના જમાનામાં ફિલ્મો ન હતી ત્યારે નાટક એકમાત્ર મનોરંજનનું સાધન હતું અને નાટ્યગૃહો પણ અનેકવિધ સુવિધાઓ સાથે બનાવવામાં આવતા હતા. જૂનાગઢના સરદાર બાગમાં આજે પણ નવાબીકાળનું નાટ્યગૃહ એટલે કે ઓપેરા હાઉસ આજે પણ અડીખમ ઉભું છે. નવીનીકરણ બાદ ઓપેરા હાઉસ એક સુંદર ઐતિહાસિક ઈમારત તરીકે જાણીતી બની છે.

રાજા રજવાડાના સમયમાં જ્યારે સંગ્રહાલયો બનાવવામાં આવતા હતા. ત્યારે તેને અનુરૂપ તેની ઈમારતનું નિર્માણ થતું જૂનાગઢના દિવાન ચોક સ્થિત જૂનવાણી ઈમારત સંગ્રહાલય માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ તંત્રની ઉદાસીનતાને લઈને આજે તે ઈમારત જર્જરીત અવસ્થામાં છે અને જો તંત્ર હજુ પણ ધ્યાન નહીં આપે તો હેરિટેજ ઈમારત નષ્ટ થઈ જશે.

કોઈપણ સંગ્રહાલય જે-તે પ્રદેશ કે રજવાડાની સંસ્કૃતિ, પરંપરા અને શૌર્યનું દર્શન કરાવે છે. સંગ્રહિત ચીજવસ્તુઓ તે સમયની યાદ અપાવે છે અને આ ઐતિહાસિક ધરોહર જળવાઈ રહે તેનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા 1977માં 18 મેના દિવસને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.