December 3, 2024

આઝાદીનું ‘ગુજરાત’ કનેક્શન, બે દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી! બંનેના ઘર વચ્ચે 100 કિમીનું અંતર

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ભારતને આઝાદ કરાવવામાં પણ એક ગુજરાતીની સૌથી મોટી ભૂમિકા રહી છે. તો પાકિસ્તાન બનાવવામાં પણ સૌથી મોટી ભૂમિકા ગુજરાતીની જ રહી છે. આ બંને પાડોશી દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી જ છે. ભારતમાં મહાત્મા ગાંધી અને પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણા દેશ માટે ગૌરવ સમાન છે. ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ પાકિસ્તાન’ 14મી ઓગસ્ટે આઝાદી દિવસ મનાવે છે, તો ભારત 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. તો આવો જાણીએ આ બંને દેશના રાષ્ટ્રપિતાની કેટલીક રોચક વાતો…

મહાત્મા ગાંધીનું પૈતૃક ગામ પોરબંદર, મૂળ વતન કુતિયાણા
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. ગુજરાતી મોઢ વાણિયા પરિવારમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રજવાડાના દીવાન હતા. તેમનું મૂળ વતન જૂનાગઢનું કુતિયાણા છે. કુતિયાણાથી તેમનો પરિવાર પોરબંદર આવીને વસ્યો હતો અને ત્યારબાદ તેઓ ઘણાં વર્ષો સુધી પોરબંદરમાં રહ્યા. તેમના પિતા કરમચંદ ગાંધી ત્યારબાદ રાજકોટ ગયા અને ઠાકોર સાહેબને ત્યાં દીવાન તરીકે જોડાયા હતા. ત્યારથી તેમનો પરિવાર રાજકોટમાં વસ્યો. ત્યારબાદ તેમણે અલગ અલગ જગ્યાએ શિક્ષણ પ્રાપ્ત કર્યું. વિદેશમાંથી પણ ભણ્યાં અને બેરિસ્ટર બન્યાં.

ભારતની આઝાદી માટે મહત્વનું યોગદાન આપનારાઓની યાદીમાં ગાંધીજી સર્વોચ્ચ સ્થાને છે. તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભિખાઈજી કામા સહિતના ગુજરાતીઓનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક ગામ રાજકોટનું મોટી પાનેલી
પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક ઘર મોટી પાનેલીમાં આવેલું છે. પોરબંદરથી 100 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં મોહમ્મદ અલી ઝીણાના પિતા ઝીણાભાઈ પૂંજાભાઈનો જન્મ થયો હતો. ઝીણાભાઈના લગ્ન મીઠીબાઈ સાથે થયા હતા અને તેમને 7 સંતાનો હતા. તેમાંથી સૌથી મોટો છોકરો મોહમ્મદ અલી ઝીણા હતા.

દાદા પૂંજાભાઇ ગોકુળદાસ મેઘજી એક સુખી-સંપન્ન ગુજરાતી વેપારી હતા. તેમના દીકરા એટલે મોહમ્મદ અલી ઝીણાના પિતા ઝીણાભાઈ ઠક્કર પણ કાપડનાં વેપારી હતી. મોહમ્મદ અલી ઝીણાનાં જન્મ પહેલા તેઓ કાઠિયાવાડ છોડીને સિંધમાં જઈ વસ્યા હતા. મોહમ્મદ અલી ઝીણાનો જન્મ ગર્ભશ્રીમંત પરિવારમાં થયો હતો. ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી હતી.

મોહમ્મદ અલી ઝીણાના પિતાએ ધર્મપરિવર્તન કર્યું
કાઠિયાવાડથી મુસ્લિમ મોટાભાગે સિંધમાં વસતા હતા. મૂળ મોહમ્મદ અલી ઝીણા ઠક્કર હતા, જે ગુજરાતી લોહાણા સમાજમાંથી આવતા હતા. મોટી પાનેલી ગામના લોકોના મોઢેથી સાંભળવા મળેલી વાત પ્રમાણે, મોહમ્મદ અલી ઝીણાના પિતાજીએ એકવાર માછલીનો ધંધો શરૂ કર્યો હતો અને તેને કારણે તેમને નાતબહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઝીણાભાઈએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. ધર્મપરિવર્તન બાદ આ પરિવાર ખોજા મુસલમાન બની ગયો હતો.

બંને દેશના રાષ્ટ્રપિતાની વધુ એક કોમન વાત એ પણ છે કે, બંનેએ બેરિસ્ટરની પદવી મેળવી હતી અને વકીલાત કરતા હતા. ત્યાંથી રાજકારણમાં જોડાયાં અને અંતે બંને ક્રમશઃ ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ વ્યક્તિ તરીકે ઓળખાયા હતા.