October 5, 2024

ભારતીય મુસ્લિમો પર અત્યાચાર… ઈરાનના નિવેદન પર ભારતે કહ્યું – ‘પહેલા પોતે શું છો એ જુઓ’

India: ભારતે સોમવારે ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીની ટિપ્પણીની આકરી નિંદા કરી હતી. ભારતે કહ્યું કે આવી ટિપ્પણીઓ ખોટી માહિતી પર આધારિત છે અને તેને સ્વીકારી શકાય નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતમાં લઘુમતીઓ પર ટિપ્પણી કરનારા દેશોએ અન્ય લોકો વિશે કંઈપણ બોલતા પહેલા પોતાના રેકોર્ડ તપાસવા જોઈએ.

ઈરાને પહેલા તેનો રેકોર્ડ જોવો જોઈએ: MEA
તેમણે કહ્યું કે અમે ભારતમાં લઘુમતીઓ અંગે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. રણધીર જયસ્વાલે કહ્યું કે લઘુમતીઓ પર ટિપ્પણી કરનારા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય લોકો વિશે ખોટી રજૂઆત કરતા પહેલા તેમના પોતાના રેકોર્ડ તપાસે.

મુસ્લિમોની વેદના પર વાત કરો
સોમવારે તેહરાનમાં મૌલવીઓની એક સભાને સંબોધિત કરતી વખતે ખમેનીએ ગાઝા, મ્યાનમાર અને ભારતમાં મુસ્લિમોની પીડા વિશે વાત કરી હતી. તેમણે ટ્વિટર પર કહ્યું કે જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા અન્ય કોઈ જગ્યાએ મુસ્લિમો દ્વારા સહન કરવામાં આવતી વેદનાથી અજાણ હોઈએ તો અમે પોતાને મુસ્લિમ માની શકીએ નહીં.

સર્વોચ્ચ નેતા ખામેનીની ટીકા
જો કે, ઈરાન ઘણીવાર માનવ અધિકારોના સંદર્ભમાં ટીકાનો સામનો કરે છે. ખાસ કરીને સુન્ની મુસ્લિમો, વંશીય લઘુમતીઓ અને મહિલાઓને લઈને. ધાર્મિક સ્વતંત્રતા પર ઈરાનના પોતાના ટ્રેક રેકોર્ડને કારણે સુપ્રીમ લીડર ખામેનીની ટિપ્પણીઓની ટીકા થઈ રહી છે. મળતી માહિતી મુજબ ઈરાનમાં લઘુમતી સુન્ની મુસ્લિમોને તેહરાન જેવા શહેરોમાં મસ્જિદ બનાવવાનો અધિકાર સતત આપવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત સરકારી અને ધાર્મિક સંસ્થાઓમાં ગંભીર ભેદભાવનો સામનો કરવો પડે છે.