November 7, 2024

IND vs SA: સ્મૃતિ મંધાના બન્યા સતત 2 સદી ફટકારનાર પહેલા ભારતીય મહિલા ક્રિકેટર

Women’s Cricket: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ વનડે સીરિઝની આજે બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ શતક ફટકાર્યું છે. દક્ષિણ આફ્રિકા સામે ગત વનડે મેચમાં પણ તેમણે 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે સતત બીજી સદી ફટકારીને તેમણે ઇતિહાસ રાંચી દીધો છે. સ્મૃતિ મંધાનાએ 120 બોલ રમીને 18 ફોર અને 2 સિક્સની મદદથી 136 રન ફટકાર્યા છે. તો, વાઇસ કેપ્ટનની સાથે સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ શાનદાર શતક ફટકાર્યું છે. તેમણે 88 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી 109 રન ફટકારી અણનમ રહ્યા છે. આ બંને શતકની સાથે ભારતે 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા છે.

મંધાનાએ બનાવ્યો નવો રેકોર્ડ

સ્મૃતિ મંધાના વનડે ક્રિકેટ મેચમાં સતત 2 સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી અને ઓવરઓલ 10મી મહિલા ખેલાડી બની ગયા છે. આ 10 ખેલાડીઓએ મળીને 11 વખત આ કર્યું છે. મંધાના પહેલા એમી સેટરથવેટ, જીલ કેન્નારે, ડેબોરા હોકી, કેએલ રોન્ટન, મેગ લેનિંગ, ટેમી બ્યુમોન્ટ, એલિસા હીલી, નેટ શેવર બ્રન્ટ અને એલ વોલ્વાર્ડ સતત બે વાર સદી ફટકારી ચૂક્યા છે.

મંધાનાએ આ રીતે કરી મિતાલી રાજની બરાબરી

મંધાનાની વનડે કારકિર્દીની આ સાતમી સદી હતી. તેમણે મિતાલી રાજના વનડેમાં સાત સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેઓ હવે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી તરીકે મિતાલીની સાથે ટોપ પર છે. મહત્વનું છે કે, મંધાનાએ 84 વનડે ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે. જ્યારે મિતાલીએ 211 વનડે ઇનિંગ્સ રમીને 7 સદી ફટકારી હતી. મંધાનાએ સાતેય સદી ઓપનિંગ કરીને બનાવી છે. આ પહેલા કોઈ પણ ભારતીય ઓપનરે બે સદીથી વધુ સદી ફટકારી ન હતી. મંધાનાની 136 રનની ઇનિંગ્સ એ ભારતની ધરતી પર વનડે ઇન્ટરનેશનલમાં ભારતીય મહિલા ખેલાડીનો હાઈએસ્ટ સ્કોર છે.

વનડેમાં સૌથી વધુ સદી (ભારતીય મહિલા ખેલાડી)

ખેલાડી શતક
સ્મૃતિ મંધાના 7
મિતાલી રાજ 7
હરમનપ્રીત કૌર 6
પૂનમ રાઉત 3