October 5, 2024

સખી સંવાદ કાર્યક્રમમાં CM પટેલે ગ્રામીણ મહિલાઓ સાથે કરી ‘સ્વાવલંબનથી સમૃદ્ધિ’ પર ચર્ચા

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની હાજરીમાં સખી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા સ્વાવલંબનથી સમૃદ્ધિ મામલે ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત મુખ્યમંત્રીએ રાજ્યની ગ્રામીણ નારીશક્તિ સાથે “સખી સંવાદ” કાર્યક્રમ હેઠળ સંવાદ કરેલ હતો. જેમાં સખી મડલ હેઠળ મહિલાની કામગીરી અને તેમની આવક સહિત તેમને કોઈ હાલાકી પડી રહી છે તે મુદે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રીએ રાજ્યના 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 3 લાખ જેટલી માતા બહેનોને રૂપિયા 350 કરોડની સહાય-લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” અંતર્ગત પ્રત્યક્ષ સંવાદનો સેતુ ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત કાર્યક્રમથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવીને તેમને આર્થિક રીતે પગભર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરવામાં આવતી હોય છે. સ્વ-સહાય જૂથોની બહેનોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવા રાજ્ય સરકારે અનેક આયામો હાથ ધર્યા છે.

રાજ્યભરના આવા 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ 350 કરોડ રૂપિયાના લાભ વિતરણ કરવા સાથે મુખ્યમંત્રી આ ગ્રામીણ નારીશક્તિ સાથે વાતચીત પણ કરી હતી. જો કે મુખ્યમંત્રી એ મહિલા સાથે કરેલા સંવાદ દરમિયાન કેટલીક મહિલાઓએ તેમને પડી રહેલ હાલાકી મુદ્દે રજુઆત કરી હતી. જો કે મુખ્યમંત્રી 5 થી 6 મહિલાઓની સમસ્યા સાંભળી હતી અને આ તમામ સમસ્યાઓનો અંત આવશે તેવી વાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપનીની સ્થાપના કરીને આવી બહેનોના સ્વ-સહાય જૂથોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ તથા ટ્રેનીંગ અને કેપેસિટી બિલ્ડીંગની સુવિધા ઉપલબ્ધ કરાવી સફળતાનો રાહ ચિંધ્યો છે. સખી સંવાદના આ અભિનવ પ્રયોગમાં સહભાગી થનારી 33 જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ આ “સખી સંવાદ” કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યા છે.