September 18, 2024

સુરતમાં ઝડપાઇ લુંટેરી દુલ્હન, બોગસ લગ્ન કરીને યુવક જોડે પડાવ્યા લાખો રૂપિયા

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં લગ્નની લાલચમાં એક યુવક છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. બે મહિલા સહિતની ટોળકીએ સાથે મળીને યુવકના બોગસ રીતે લગ્ન કરાવ્યા હતા અને ત્યારબાદ યુવક પાસેથી પૈસા મેળવી લીધાના બેથી ત્રણ દિવસ બાદ લગ્ન કરનાર યુવતી દાદીની તબિયત ખરાબ હોવાનું કહીને ચાલી ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ન આવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ભોગ બનનાર યુવક દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન કરવા ઈચ્છતા યુવકોને લગ્નની લાલચ આપી તેમની પાસેથી પૈસા પડાવી ખોટી રીતે લગ્ન કરાવડાવી યુવકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગની બે મહિલા સહિત ત્રણ ઈસમોની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વિપુલ ડાયાણી નામના વ્યક્તિ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદી વિપુલ ડાયાણીનો સંપર્ક વિપુલ ડોબરીયા સાથે થયો હતો અને ત્યારબાદ આ વિપુલ ડોબરીયાએ રૂપાલી ઉર્ફે સંજના તેમજ જ્યોતિ નામની મહિલા સાથે સંપર્ક કરાવ્યો હતો અને ત્યારબાદ રૂપાલી ઉર્ફે સંજના સાથે લગ્ન કરાવવા માટે 1 લાખ 5 હજાર રૂપિયા જ્યોતિને આપવા પડશે અને 20 હજાર રૂપિયા અલગથી આમ કુલ 1 લાખ 25 હજાર રૂપિયા તેમજ ઘરેણા અને કટલેરી આપવાની રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ વિપુલ ડોબરીયા દ્વારા વિપુલ ડાયાણીની મીટીંગો થઈ હતી અને અંતે ફરિયાદી વિપુલ ડાયાણીના લગ્ન આરોપીઓએ તાપી નદી કિનારે આવેલા શંકર ભગવાનના મંદિરે કરાવ્યા હતા અને લગ્ન બાદ વિપુલ ડોબરીયા અને જ્યોતિએ ફરિયાદી પાસેથી 1 લાખ 25 હજાર રૂપિયા લીધા હતા

ત્રણ દિવસ સુધી લગ્ન કરી રૂપાલી ઉર્ફે સંજના ફરિયાદી વિપુલ ડાયાણી સાથે રહી હતી અને ત્યારબાદ પોતાની દાદીની તબિયત ખરાબ છે તેવું કહીને ડીંડોલી ખાતે આવેલા પોતાના ઘરે ચાલી ગઈ હતી. દાદીની તબિયત પૂછવા ગયેલી રૂપાલી ઘરે ન આવતા સાંજના સમયે ફરિયાદીએ રૂપાલીને ફોન કર્યો હતો. પરંતુ રૂપાલી એ પરત આવવાની ના પાડી દીધી હતી આ ઉપરાંત રૂપાલી એ જણાવ્યું હતું કે તેને આપવામાં આવેલો સોનાનો દાણો છડા તેને જ્યોતિના આપી દીધા છે.

ત્યારબાદ અવાર-નવાર ફોન કરવા છતાં પણ રૂપાલી ઉર્ફે સંજય ફરિયાદીના ઘરે પરત આવવાની ના પાડી દીધી હતી તેથી આ સમગ્ર મામલે વિપુલ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ ડોબરીયા રૂપાલી ઉર્ફે સંજના અને જ્યોતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓએ સાથે મળીને અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે લગ્નના નામે છેતરપિંડી કરી છે તે બાબતે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.