October 11, 2024

ગોવા પાસે કાર્ગો શિપમાં ભીષણ આગ, ગુજરાતથી જઈ રહ્યું હતું શ્રીલંકા

Fire In Cargo ship near Goa: ગોવા નજીક શુક્રવારે બપોરે એક માલવાહક જહાજમાં મોટો અકસ્માત થયો હતો. માલવાહક જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ જહાજ ગુજરાતના મુંદ્રાથી શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. માહિતી મળતાની સાથે જ ભારતીય કોસ્ટ ગાર્ડે તરત જ જહાજને ડાયવર્ટ કરી દીધું હતું. શિપિંગ મંત્રાલયે માહિતી આપી હતી કે આ ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે મૃતકની ઓળખ થઈ ત્યારે તે ફિલિપાઈન્સના નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. જહાજમાં કુલ 21 લોકો સવાર હતા. જેમાં ફિલિપિનો, મોન્ટેનેગ્રિન અને યુક્રેનિયન નાગરિકો સામેલ હતા.

ઝડપથી ફેલાતી આગ
આગનું કારણ જણાવતા કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે જહાજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને જહાજમાં સવાર લોકોને તેની જાણ ત્યારે જ થઈ જ્યારે આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. આ જહાજ 2024માં જ કાર્યરત થયું હતું. આ કાર્ગો ઇન્ટરનેશનલ મેરીટાઇમ ડેન્જરસ ગુડ્સ (IMDG) તરીકે લઈ જવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો: 150 મોત, 2500 લોકો ઈજાગ્રસ્ત… આખરે હિંસક પ્રદર્શનોમાં કેમ સળગી રહ્યું છે બાંગ્લાદેશ?

20 કન્ટેનરમાં આગ લાગી હતી
જહાજમાં આગ લાગી હોવાની જાણ થતાં જ જહાજમાં હાજર ક્રૂએ પોતાની રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવી શક્યો નહોતો. આગ ઝડપથી ડેકમાં ફેલાઈ ગઈ. જેના કારણે કન્ટેનર ફાટ્યું. રિપોર્ટ અનુસાર જહાજ પરના 160 કન્ટેનરમાંથી 20માં આગ લાગી હતી. શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, માલવાહક જહાજ ભારતીય તટથી લગભગ 80 નોટિકલ માઈલ દૂર છે.

રાહત અને બચાવ કાર્ય તેજ કરવામાં આવ્યું છે
જહાજમાં આગ લાગ્યા બાદ રાહત અને બચાવ કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડ મનોજ ભાટિયાએ જણાવ્યું કે, તેઓએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ જહાજો સ્થળ પર મોકલ્યા છે. કોસ્ટ ગાર્ડે એમ પણ કહ્યું કે તેણે જહાજ પર હાજર લોકોને બહાર કાઢવા માટે તેના કોચી બેઝ પરથી હેલિકોપ્ટર મોકલવાનો આદેશ આપ્યો છે.

ભારતીય નૌકાદળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર (MOC) અને ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર – ઇન્ડિયન ઓશન રિજન (IFC-IOR) ને પણ પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે.