October 11, 2024

તમારી કારના ટાયરમાં કેટલું પ્રેશર હોવું જોઇએ? જાણવું ખુબ જ જરૂરી

Car Tips: કહેવાય છે ને કે રથ તો સુંદર હોય છે. પરંતુ રથના પૈડા મજબૂત જ જોઈએ. પૈડા મજબૂત હોવાના કારણે જ રથની શોભા વધે છે. આવી જ રીતે કારમાં પણ હોય છે. તમારી કાર જેના પર દોડે છે અને તમને એક સ્થળ પરથી બીજા સ્થળે સલામત રીતે પહોંચાડે છે તેમાં મુખ્ય કાર્ય ટાયરનું હોય છે. ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર, તમારી સેફ રાઇડ અને ટાયરની આવરદા માટે અત્યંત જરૂરી છે, તેમ છતાં ઘણી વખત લોકો તેની અવગણના કરતા હોય છે. કેટલાક તો એટલા આળસું હોય છે કે બીજા કહે કે તમારા ટાયરમાં હવા ઓછી છે ત્યારે હવા ભરાવવા જાય છે. પરંતુ આ અવગણના તમારા માટે ઘાતક પુરવાર થઇ શકે છે. તમારા ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર ન હોવાનો અર્થ છે તમારી અને તમારી કારની સુરક્ષા પર જોખમ.

વાહનનું સૌથી મહત્વનું અંગ
ટાયર તમારા વાહનનું સૌથી મહત્વનું અંગ છે. તે તમારા વાહનના એન્જિન પાવરને રોડ પર લઇ જવા અને તમારા વાહનને આગળ ધપાવવા માટે જવાબદાર છે. ડ્રાઇવરના હાથમાં જે પણ કન્ટ્રોલ્સ છે જેમ કે સ્ટિયરિંગ, એક્સિલરેશન અને બ્રેકિંગ આ બધુ જ ટાયર મારફતે રોડ પર એપ્લાય થાય છે. માટે જો ટાયરમાં યોગ્ય પ્રેશર નહીં હોય તો તમને ઘણુ નુકસાન થઇ શકે છે. તમારી ગાડીની સસ્પેન્શન સિસ્ટમ બગડશે, તેની સાથે સાથે તમારી ગાડીનું વ્હિલ એલાઇનમેન્ટ બગડશે અને પરિણામે તમારો ગાડી પરનો કન્ટ્રોલ બગડશે, અને તે કહેવાની જરૂર નથી કે કન્ટ્રોલ બગડશે એટલે તમારી સુરક્ષા બગડશે.

આ પણ વાંચો: મેન્યુઅલ ગિયરબોક્સ વાળી કાર ચલાવતા હોવ તો આટલું ખાસ ધ્યાન રાખજો

ટાયરમાં હવા ઓછી હોય તો શું થાય?
હવે આપણે વાત કરીશું કે તમારી કારના ટાયરમાં કેટલું પ્રેશર રાખવું જોઇએ. ટાયરમાં હવાનું પ્રેશર PSIમાં માપવામાં આવે છે. PSI એટલે pounds per square inch. તમારી કારના ટાયરમાં કેટલું એર પ્રેશર રાખવું તેની માહિતી કાર મેન્યુફેક્ચરર દ્વારા તમને આપવામાં આવેલી મેન્યુઅલમાં લખેલું હશે. તમારા ટાયરમાં નિર્ધારીત કરતાં ઓછું પ્રેશર ખતરનાક સાબિત થઇ શકે છે. ટાયરમાં હવા ઓછી હશે તો રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ વધશે અને તેને કારણે ટાયર ઝડપથી ગરમ થશે અને ડ્રાઇવરને વાહન ચલાવવામાં મુશ્કેલી પડશે. ટાયરમાં ઓછી હવા હોય તો કારની સ્ટિયરિંગ અને સસ્પેન્શન સિસ્ટમને નુકસાન થાય છે.

ટાયરમાં વધુ પડતી હવા હોય તો શું થાય?
જો ટાયરમાં વધુ પડતી હવા હોય તો તમારા ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ ઘટશે અને પરિણામે ડ્રાઇવરનો વાહન પરનો કન્ટ્રોલ ઘટશે. તમારા ટાયરમાં વધુ પડતી હવા હશે તો તમારા ટાયરમાં પંચર પડવાની, ટાયર ફાટી જવાની, ટાયર ફુલી જવાની શક્યતા વધી જશે. જો ટાયરમાં નિર્ધારીત પ્રેશર નહીં હોય તો વ્હીલ એલાઇમેન્ટ ખોરવાઇ શકે છે અને તેના કારણે તમારી કારનું સંતુલન પણ ખોરવાઇ શકે છે અને તે તમારા જીવ માટે જોખમી બની શકે છે. સામાન્ય રીતે કારમાં 32-35 PSIનું પ્રેશર જાળવવું જોઇએ. નિષ્ણાતોના કહેવા મુજબ પ્રેશરમાં દસ ટકા વધઘટ કોઇક વખત ચાલી શકે પરંતુ એવું કાયમ ના થવું જોઇએ.જો તમને સ્ટિયરિંગ ભારે લાગે, ગાડી ભારે લાગે કે ગાડી એક તરફ ખેંચાય તો સમજી જવું કે તમારા ટાયરમાં હવામાં કઇંક લોચો છે. જ્યારે તમારી ગાડીમાં અવાજ આવવા લાગે,ગાડીની બ્રેક અપેક્ષા મુજબ કામ ના કરે કે ગાડીનો ટર્ન લેતી વખતે તકલીફ પડે તો નક્કી તમારે તમારી કારમાંથી નીચે ઉતરીને તમારા બધા ટાયરોનું પ્રેશર ચેક કરી લેવું જરૂરી છે.