December 11, 2024

Hemant Soren: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો

નવી દિલ્હી/રાંચી: ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને પૂર્વ સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હેમંત સોરેને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. બીજી બાજુ શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે પહેલા હાઈકોર્ટમાં જાઓ. ત્યાંની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટમાં આવી શકો છે. હેમંત સોરેનના વકીલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે આ સીએમનો કેસ છે, જેથી તેની સુનાવણી થવી સુપ્રીમ કોર્ટમાં થવી જોઈએ. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ કેસની સુનાવણી પહેલાં અહીંયા થશે તો દેશના ઘણા લોકો સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી જશે. બીજી તરફ હેમંત સોરેનના રાજીનામા બાદ શુક્રવારે ચંપાઈ સોરેનના નેતૃત્વમાં JMM નવી સરકાર બનાવશે.

સાત કલાકથી વધુની પૂછપરછ પછી હેમંત સોરેનની ધરપકડ થઇ
નોંધનીય છે કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હેમંત સોરેનની બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પૂછપરછ પછી EDએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી. સોરેને સૌપ્રથમ ઝારખંડ હાઈકોર્ટમાં તેની ધરપકડને પડકારી હતી અને ગુરુવારે તેણે પોતાના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ ગુરુવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની અરજી પર શુક્રવારે સુનાવણી કરવા માટે સંમત થઈ હતી, પરંતુ શુક્રવારે આ અરજીને ફગાવી દેવામાં આવી હતી.

ઝારખંડ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લેશે
ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરી ગુરુવારે સોરેનની અપીલ પર સુનાવણી કરવાના હતા. પરંતુ સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી અને અન્ય કાનૂની સહયોગીઓએ તેમની રણનીતિ બદલી અને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત મેળવવાની દિશામાં આગળ વધવાને બદલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટને કહ્યું કે સોરેન આ મુદ્દે ઝારખંડ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજી પાછી ખેંચી લેશે.

આ પણ વાંચો : Hemant Soren: હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

અગાઉ ઇડીએ ગુરુવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસમાં સાત કલાકની પૂછપરછ પછી બુધવારે રાત્રે ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભારે સુરક્ષા વચ્ચે સોરેનને PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો.